મોખાડાની સીક્રેટ ડ્રગ્સ-ફૅક્ટરી...
પાલઘરના મોખાડામાં આ સૂમસામ જગ્યાએ આવેલા ફાર્મહાઉસમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ બનાવવામાં આવતું હતું
પાલઘર જિલ્લામાં મોખાડાના એક ખેતરમાં ડ્રગ્સની ફૅક્ટરી શરૂ કરનાર સમીર પીંજારે એકલા હાથે આ ફૅક્ટરી ચલાવતો હતો અને તેણે આ ડ્રગ્સની ફૅક્ટરી ગુપ્ત રાખી હતી. આ ફૅક્ટરી વિશે કોઈને પણ જાણ ન થાય એ માટે ત્યાં કોઈને પ્રવેશ આપવામાં આવતો નહોતો. છેલ્લા દોઢ વર્ષમાં અનેક કિલો ડ્રગ્સનાં દ્રવ્યોનું ઉત્પાદન થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ફાર્મહાઉસ મોખાડાથી પાંચ કિલોમીટર દૂર છે અને મોખાડામાં આઇટીઆઇ કૉલેજથી એ માત્ર બે કિલોમીટર દૂર છે. આ ફાર્મહાઉસ સુધી પહોંચવા માટે નાનકડી કેડી બનાવવામાં આવી છે અને વાહનોને જવા માટે ત્યાં કોઈ રસ્તો જ નથી. અંદાજે ૧૦૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં આ એક બાંધકામ છે અને ફાર્મહાઉસની નજીક કોઈ વસાહત ન હોવાથી ડ્રગ્સ ફૅક્ટરી માટે નિર્જન સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું.
કામ કરવાની પદ્ધતિથી પોલીસ પણ હેરાન
ADVERTISEMENT
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટની ક્રાઇમ બ્રાન્ચ-૧ની ટીમે તાજેતરમાં ડ્રગ્સ મૅન્યુફૅક્ચરિંગ ફૅક્ટરી - એમડીનો પર્દાફાશ કર્યો છે. આ ઑપરેશનમાં પોલીસે હથિયાર સાથે ૭ વ્યક્તિની ધરપકડ કરી હતી અને આરોપીઓ પાસેથી ૩૮ લાખ રૂપિયાનો એમડી જપ્ત કર્યો હતો. આ ટોળકીને ડ્રગ્સ સપ્લાય કરનાર ૪૫ વર્ષના સમીર પીંજારેની કામ કરવાની પદ્ધતિથી પોલીસ પણ હેરાન થઈ ગઈ છે. આરોપી દોઢ વર્ષથી પાલઘર જિલ્લાના મોખાડા ખાતેના ફાર્મહાઉસમાં એકલો જ એમડી બનાવતો હતો. આ કેસની તપાસ કરનાર ક્રાઇમ બ્રાન્ચ-૧ના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રશાંત ગાંગુર્ડેએ જણાવ્યું હતું કે ‘એક વેબ-સિરીઝથી ઇન્સ્પાયર થઈને સમીરે પણ એકાંત સ્થળે ફાર્મહાઉસ બનાવવાનું પસંદ કર્યું હતું. કોઈને શંકા ન જાય એ માટે તેણે આ બાબત ગુપ્ત રાખી હતી. એટલે તેના ફાર્મહાઉસમાં કોઈને આવવાની મંજૂરી આપવામાં આવતી નહોતી.’
આ રીતે બનાવતો હતો ડ્રગ્સ
સમીર વસઈમાં રહેતો હતો અને બાઇક પર મોખાડા જતો હતો. તે હૈદરાબાદની એક કેમિકલ કંપનીમાં કામ કરતો હતો એટલે તેને ડ્રગ્સ કેવી રીતે બનાવવું એની જાણ હતી. તે બજારમાંથી નશીલા પદાર્થ બનાવવા માટેની જરૂરી સામગ્રી ખરીદતો હતો અને કેટલીક સામગ્રી ઑનલાઇન મગાવતો હતો. તે ભાઈંદરના ૩૮ વર્ષના ગૌતમ ઘોષ માટે આ ડ્રગ્સ લાવતો હતો અને ગૌતમ અન્ય આરોપીઓને આપતો હતો. જોકે ડ્રગ્સની ફૅક્ટરી વિશે માત્ર સમીરને જ ખબર હતી. પોલીસે જણાવ્યું હતું કે જ્યારે અન્ય આરોપીઓને આ ડ્રગ્સ કોણ અને ક્યાંથી લાવતું હતું એની જાણ નથી. આરોપી સમીર બાઇક પર જ ડ્રગ્સ લઈને જતો હતો જેથી કોઈને શંકા ન જાય.
ડ્રગ્સની ફૅક્ટરીનો પર્દાફાશ કરવાની આ પ્રથમ કાર્યવાહી
પોલીસે મોખાડાના ફાર્મહાઉસ પર દરોડો પાડીને એમડી ડ્રગ, કેમિકલ અને એની તૈયારી માટેનાં જરૂરી સાધનો જપ્ત કર્યાં હતાં. આ એકંદર કાર્યવાહીમાં ૩૭ કરોડ રૂપિયાનું એમડી ડ્રગ, બે પિસ્તોલ અને કારતૂસ જપ્ત કરવામાં આવ્યાં છે. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) અવિનાશ અંબુરેએ જણાવ્યું હતું કે ‘પાલઘર જિલ્લામાં આટલી મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કરવા અને ડ્રગ્સની ફૅક્ટરીનો પર્દાફાશ કરવાની આ પ્રથમ કાર્યવાહી છે. આ કેસમાં સાત જણની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ નામચીન ગુનેગાર છે અને તેમની સામે વિવિધ પોલીસ-સ્ટેશનોમાં ડ્રગ્સ રાખવાં, હથિયાર રાખવાં, ચોરી, અપહરણ, સરકારી કામમાં અવરોધ જેવા ગુના નોંધાયેલા છે.’