બૉલીવુડ સ્ટારના ઘરે જે રીતે આરોપી પાઇપલાઇનની ડક્ટમાંથી ઘરમાં ઘૂસ્યો હતો એ રીતે અહીં પણ તે ડક્ટમાંથી જ સાતમા માળ સુધી ગયો હતો
મલાડ-ઈસ્ટના મયૂર બિલ્ડિંગમાં ચોરીના ઇરાદે ઘૂસેલા ચોરને રહેવાસીઓએ પકડી લીધો હતો. તે પોતાની સાથે ચાકુ લઈને આવ્યો હતો.
બૉલીવુડ સ્ટારના ઘરે જે રીતે આરોપી પાઇપલાઇનની ડક્ટમાંથી ઘરમાં ઘૂસ્યો હતો એ રીતે અહીં પણ તે ડક્ટમાંથી જ સાતમા માળ સુધી ગયો હતો. જોકે જે ફ્લૅટમાં તે ઘૂસ્યો હતો ત્યાં સૂઈ રહેલા રહેવાસીની આંખ ખૂલી જવાથી તેણે ચાકુ સાથે આવેલા ચોરને પકડીને પોલીસ ન આવે ત્યાં સુધી બીજા રેસિડન્ટ્સની મદદથી કાબૂમાં રાખ્યો હતો
બાંદરામાં સૈફ અલી ખાનના ઘરમાં જે રીતે ચોર ઘૂસ્યો હતો એવી જ રીતે મલાડમાં આવેલી ગુજરાતીઓની એક સોસાયટીમાં ચોર ઘૂસી ગયો હતો. સૈફે જે રીતે પરિવારને બચાવવા જોખમ ખેડીને ચોર સાથે બાથ ભીડી હતી એ જ રીતે મલાડના ગુજરાતીઓએ પણ ચોરના હાથમાં ચાકુ હોવા છતાં હિંમત દાખવીને તેને નાસવા ન દેતાં ઝડપી લીધો હતો એટલું જ નહીં, તેને મેથીપાક આપીને દિંડોશી પોલીસના હવાલે કર્યો હતો. પકડાયેલો ચોર રીઢો ગુનેગાર છે અને તેને પોલીસ ન આવે ત્યાં સુધી પકડી રાખવો પણ એટલો જ જોખમી હતો, પણ ગુજરાતીઓની આ સોસાયટીવાળાઓએ હિંમત હાર્યા વિના એ કરી બતાવ્યું. ચોરીના પ્રયાસની આ ઘટના પાંચમી ફેબ્રુઆરીએ રાતે બે વાગ્યે મલાડ-ઈસ્ટના જિતેન્દ્ર રોડ પર આવેલા દેવચંદ નગરના મયૂર બિલ્ડિંગમાં બની હતી. આ ઘટનામાં ચોર કઈ રીતે બિલ્ડિંગમાં ઘૂસ્યો અને કઈ રીતે પકડાયો એ બિલ્ડિંગમાં બેસાડાયેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝડપાઈ ગયું હતું.
ADVERTISEMENT
આ કેસ સાથે સંકળાયેલા મલાડ પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર ઓમ તોતાવરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોરીના પ્રયાસની આ ઘટનામાં પકડાયેલો ચોર સંતોષ ચૌધરી રીઢો ગુનેગાર છે. ઘરમાં ઘૂસીને ચોરી કરવામાં તે માહેર હોવાની સાથે ખતરનાક પણ છે. CCTV કૅમેરાનાં ફુટેજમાં એ ગ્રિલ કૂદીને બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં દાખલ થયો હતો. જોકે નવાઈની વાત એ છે કે બિલ્ડિંગમાં રાખવામાં આવેલા ૪ સિક્યૉરિટી ગાર્ડ એ સમયે સૂતા હતા એનો ફાયદો લઈને તે ત્રીજા માળના પોડિયમ પાર્કિંગ સુધી પહોંચી ગયો હતો. ત્યાર બાદ ગૅસની પાઇપલાઇનના ડક્ટમાંથી તે સાતમા માળે ચડ્યો હતો અને એ પછી તેને એક ફ્લૅટના બેડરૂમની બારી ખુલ્લી મળતાં તે ઘરમાં ચોરી કરવા ઘૂસી ગયો હતો. જોકે તેની હિલચાલને કારણે ઘરમાલિક જાગી ગયો અને તેણે તેને પકડી લીધો હતો એટલું જ નહીં, ચોર-ચોરની બૂમ પાડીને હોહા મચાવતાં આસપાસના પાડોશીઓ દોડી આવ્યા હતા. જોકે તેના હાથમાં ધારદાર ચાકુ હોવા છતાં ડર્યા વગર લોકોએ તેને પકડી લીધો હતો.’
સોસાયટીમાં થયેલા અવાજને લીધે સિક્યૉરિટી ગાર્ડ પણ દોડી આવ્યા હતા. લોકોની પકડથી આઝાદ થઈ નાસી જવાનો પ્રયાસ કરવા સંતોષે તેમને ધમકાવ્યા હતા અને ગંદી ગાળ પણ આપી હતી. તે છરીની ધાકથી લોકોને ધમકાવીને નાસી જવાનો પ્રયાસ કરતો હતો. તેણે રહેવાસીઓને કહ્યું હતું કે ‘મને છોડી દો, તમે અહીં જ રહેવાના છો. જો મને પકડ્યો તો પછીથી આવીને તમારી બહેન-દીકરીઓ પર રેપ કરી નાખીશ.’
એ ઉપરાંત તેણે સિક્યૉરિટી ગાર્ડને પણ દબડાવતાં કહ્યું હતું કે ‘તૂ તો યહીં રહનેવાલા હૈ, વાપસ આ કે તુઝે માર ડાલૂંગા, નહીં છોડૂંગા.’ જોકે આમ છતાં રહેવાસીઓએ તેને મચક નહોતી આપી એથી તેમની વચ્ચે થોડી ઝપાઝપી થઈ હતી.
સિક્યૉરિટીને અલર્ટ રહેવાની સૂચના
મકાનમાં સિક્યૉરિટી ગાર્ડ્સ તહેનાત હોવા છતાં તેઓ સૂતા રહ્યા અને ચોર ઉપર સુધી પહોંચી ગયો એ જોતાં સિક્યૉરિટીની પણ બેદરકારી હોવાનું જણાયું હતું એમ જણાવતાં ઓમ તૌતાવરેએ કહ્યું હતું કે ‘હવે અમે તેમની ડાયરી બનાવી છે. રોજ અમારી પૅટ્રોલિંગની ગાડી ત્યાં જશે અને એ સિક્યૉરિટી જાગે છે કે નહીં એ ચેક કરશે અને ડાયરીમાં તેમની સહી લેશે. આ પ્રોસીજરને કારણે તેઓ જાગતા રહેશે. અમે તેમને ફરી આવી ઘટના ન બને એ માટે અલર્ટ રહેવા કહ્યું છે. આરોપી સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી તેને કોર્ટમાં હાજર કરવામાં આવતાં કોર્ટે તેને જેલ-કસ્ટડીમાં મોકલી આપ્યો છે.’
આરોપીને કેવી રીતે પકડ્યો?
આરોપી કેવી રીતે પકડાયો એ વિશે માહિતી આપતાં કેસ સાથે સંકળાયેલા દિંડોશી પોલીસના એક ઑફિસરે કહ્યું હતું કે ‘જેમણે સંતોષને પકડ્યો એ સોસાયટીના મેમ્બરના ઘરમાં કામ ચાલી રહ્યું હોવાથી તે પાડોશીના ફ્લૅટમાં સૂવા ગયો હતો. ઘટના વખતે ખખડવાનો અવાજ આવતાં તે જાગી ગયો હતો. તેને ઊભો થતો જોઈ સંતોષ જાણે ઘરનો મેમ્બર હોય એમ એક સોફા પર બેસી ગયો હતો. એ ભાઈએ ચોરને જોયો, પણ પાછો સૂઈ ગયો. જોકે પછી તેને તરત જ ખ્યાલ આવ્યો કે મેં જેને બેઠેલો જોયો એ કોણ હતું? એટલે પાછો ઊભો થયો અને તેને પડકાર્યો અને પકડી લીધો. એ વખતે સંતોષે ચાકુ દેખાડીને તેને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેણે હિંમત દાખવી બૂમાબૂમ કરી મૂકી અને પાડોશીઓના સાથથી તેને ઝડપી લીધો.’

