પોલીસને આ હત્યા અને આત્મહત્યા પાછળનું કારણ હજી જાણવા મળ્યું નથી
પ્રતીકાત્મક તસવીર
નેરુલમાં બુધવારે સાંજે સીવુડ્સમાં રહેતી ૧૯ વર્ષની ભાવિકા મોરેની તેના ૨૦ વર્ષના બૉયફ્રેન્ડ સ્વસ્તિક પાટીલે ગળું દબાવીને હત્યા કર્યા બાદ તેણે પણ તળાવમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. NRI કોસ્ટલ પોલીસે હત્યાની ફરિયાદ નોંધીને તળાવમાં આત્મહત્યા માટે કૂદેલા સ્વસ્તિકની ડેડ-બૉડી શોધવા તપાસ શરૂ કરી છે. જોકે હત્યા અને આત્મહત્યા પાછળનું કારણ હજી પોલીસને જાણવા નથી મળ્યું.
ભાવિકા નેરુલની જુનિયર કૉલેજની વિદ્યાર્થિની હતી, જ્યારે સ્વસ્તિક મેડિકલ સ્ટોરમાં કામ કરતો હતો એમ જણાવતાં NRI કોસ્ટલ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સતીશ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના વિશે સ્થાનિક માછીમાર દ્વારા અમને જાણ કરવામાં આવી હતી. ભાવિકાનો મૃતદેહ સૌપ્રથમ માછીમારોને મળ્યો હતો. બુધવારે બપોરે સ્વસ્તિક સાથે ભાવિકા બાઇક પર જેટી પર આવી હતી. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે બન્ને રિલેશનશિપમાં હતાં અને જેટી પર પહોંચ્યાં ત્યારે તેમની વચ્ચે કેટલાક મતભેદ થયા હતા. એ દરમ્યાન સ્વસ્તિકે ગળું દબાવીને ભાવિકાની હત્યા કરી હતી અને પછી પોતે પણ તળાવમાં કૂદી ગયો હતો. સ્વસ્તિકનો મૃતદેહ હજી સુધી મળ્યો નથી. હાલમાં સર્ચ-ઑપરેશન ચાલુ છે. આ ઘટના પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. બન્નેના પરિવારજનોને જાણ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.’