રાષ્ટ્રીય સ્તરે આયોજિત થતી આ કૉન્ટેસ્ટમાં પોતાના આત્મવિશ્વાસથી નિર્ણાયકોને પ્રભાવિત કરનારી ધિયા ચિતલિયાને ઍડ-ફિલ્મ્સની ઑફરો આવવા માંડી છે
નગરડાયરી
ગરબા સાથે હુલાહૂપ કરીને ધિયાએ રૅમ્પ પર એન્ટ્રી કરી હતી
ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં એ ફક્ત કહેવત નથી, એ સિદ્ધ પણ થાય છે. એનું લેટેસ્ટ ઉદાહરણ છે બોરીવલીની ધિયા ચિતલિયા. નૅશનલ લેવલ પર આયોજિત થતી જુનિયર મિસ ઇન્ડિયા કૉન્ટેસ્ટમાં ૧૧ વર્ષની ધિયાએ સ્ટેજ ગજાવ્યું હતું અને તેના કૉન્ફિડન્સને જોતાં નિર્ણાયકોએ તેને મિસ કૉન્ફિડન્ટનો ખિતાબ આપ્યો હતો.
બોરીવલીમાં રહેતી અને વિટી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં ભણતી ધિયાએ કૉન્ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત હોવા છતાં ઑનલાઇન ક્લાસ અટેન્ડ કરીને ભણતર મૅનેજ કર્યું હતું. ધિયા અહીં સુધી કેવી રીતે પહોંચી એ વિશે જણાવતાં તેનાં મમ્મી સ્વીટુ ચિતલિયા કહે છે, ‘ધિયા કંઈ નવું જુએ અને શીખે એ આશયથી હું તેને કાંદિવલીમાં ચાલી રહેલા ઑડિશનમાં લઈ ગઈ અને તે સિલેક્ટ થઈ ગઈ. તેની સાથે બીજાં ૧૦ બાળકો પણ સિલેક્ટ થયાં હતાં. મેં તો ધાર્યું નહોતું કે ધિયા સિલેક્ટ થશે. નૅશનલ લેવલની કૉન્ટેસ્ટ માટે સિલેક્ટ થવું અમારા માટે નાની વાત નહોતી. જોકે ત્યાર બાદ અમે આ કૉન્ટેસ્ટ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો કે એમાં શું હોય, આ કૉન્ટેસ્ટ બાળકો માટે સેફ છે કે નહીં, એ લોકોએ શું કરવાનું હોય, પેરન્ટ્સની ડ્યુટી શું વગેરે. એ બધી જ માહિતી એકઠી કરી અને એ બાળકો માટે સારી છે એવો વિશ્વાસ આવ્યા બાદ તેને આગળના રાઉન્ડમાં જવા અમે પરમિશન આપી. પહેલાં આ કાર્યક્રમ મુંબઈમાં જ થવાનો હતો, પણ કોઈ કારણોસર વેન્યુ ચેન્જ કરીને ઇન્દોર શિફ્ટ કરવામાં આવ્યું હતું અને અમને ત્રણ દિવસ પહેલાં ઇન્દોર બોલાવ્યાં.’
ADVERTISEMENT
ગરબા રમતાં એન્ટ્રી કરી
ધિયા બધી જ બાબતે આત્મવિશ્વાસુ છે એવું કહેતાં મમ્મીસ્વીટુ કહે છે, ‘જુનિયર મિસ ઇન્ડિયામાં પહેલો રાઉન્ડ કલ્ચરલ રાઉન્ડ હતો. આ કૉન્ટેસ્ટ ચોથી અને પાંચમી જાન્યુઆરીએ આયોજિત થઈ હતી. એમાં બાળકોને સ્ટેજ પર તેમના કલ્ચરને રિપ્રેઝન્ટ કરવાનું હતું. મારી ધિયાને તો મેં પાકી ગુજરાતણ બનાવી હતી. જોતાં જ ખબર પડી જવી જોઈએ આ ગુજરાતી છે. તેની રૅમ્પ પર એન્ટ્રી પણ ગરબા રમતાં કરાવી હતી. ગરબાની સાથે તેણે હુલાહૂપ પણ કર્યું હતું. તેણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવનારાં શિલ્પા ગણાત્રા પાસેથી હુલાહૂપ શીખ્યું હતું. ધિયાની યુનિક એન્ટ્રી અને તેના કૉન્ફિડન્સથી જજિસ પ્રભાવિત થયા હતા. બાળકોને સ્ટેજ પર કેવી રીતે પોતાને પ્રેઝન્ટ કરવું એ ટ્રેઇનિંગ મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લઈ ચૂકેલી નોયોનિતા લોધ આપતી હતી.’
બની મિસ કૉન્ફિડન્ટ
ધિયા મિસ કૉન્ફિડન્ટ કઈ રીતે બની એ જણાવતાં સ્વીટુ ચિતલિયા કહે છે, ‘બીજા રાઉન્ડમાં મિસ ઇન્ડિયા તરફથી જ આઉટફિટ મળ્યાં હતાં, જ્યારે ત્રીજા રાઉન્ડમાં ફક્ત ફૅબ્રિક આપ્યું હતું. એને કઈ રીતે ડિઝાઇન કરવું અને પ્રેઝન્ટ કરવું એ જવાબદારી પેરન્ટ્સ પર નાખી હતી. મારે ક્રિશ્ચિયન ગાઉન બનાવડાવવું હતું તેથી ક્રિશ્ચિયન ટેલર પાસેથી જ સીવડાવ્યું. એમાં આઠ લેયર કૅનકૅન નાખ્યું હોવાથી એને પહેરાવવામાં કસરત કરવી પડી હતી. ત્રણેય રાઉન્ડમાં સારું પર્ફોર્મ કર્યા બાદ તેને મિસ કૉન્ફિડન્ટના ખિતાબથી નવાજવામાં આવી હતી અને એ મોમેન્ટ અમારી ફૅમિલી માટે પ્રાઉડ મોમેન્ટ હતી.’
ફાઇનલ રાઉન્ડમાં રૅમ્પ-વૉક કરતી ધિયા.
બાસ્કેટબૉલમાં ગોલ્ડ મેડલ
ધિયા મલ્ટિટૅલન્ટેડ છે. તે વિખ્યાત થનગાટ ગરબા ગ્રુપ સાથે જોડાયેલી હોવાથી ગરબા રમવામાં માસ્ટર તો છે જ અને તેને બાસ્કેટબૉલ રમવું પણ ગમે છે. તાજેતરમાં તેણે સ્કૂલમાં આયોજિત બાસ્કેટબૉલ કૉમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
મિસ કૉન્ફિડન્ટનો ખિતાબ મળ્યો એ ક્ષણ.
વૉટ્સ ઇન ધ નેમ?
દીકરીના નામ પાછળની સ્ટોરી જણાવતાં સ્વીટુ ચિતલિયા કહે છે, ‘ધિયાનો અર્થ પ્રકાશ થાય. મારા દીકરાનું નામ તેજ છે. એનો અર્થ પણ એ જ થાય. બન્ને સંતાન અમારા પરિવારને પ્રકાશિત કરી રહ્યાં છે. ધિયા મિસ કૉન્ફિડન્ટ બન્યા બાદ તેને ઍડ-ફિલ્મની ઑફર્સ આવી રહી છે.’