બોરીવલી પોલીસે ગોરાઈ હાઉસિંગ સોસાયટીના ૫૮ વર્ષના ચૅરમૅન ભૂષણ નારાયણ પાલકરની સોસાયટીમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાનો ખોટો દાવો કરવા બદલ ધરપકડ કરી હતી.
ભૂષણ નારાયણ પાલકર
મુંબઈ : બોરીવલી પોલીસે ગોરાઈ હાઉસિંગ સોસાયટીના ૫૮ વર્ષના ચૅરમૅન ભૂષણ નારાયણ પાલકરની સોસાયટીમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાનો ખોટો દાવો કરવા બદલ ધરપકડ કરી હતી. આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની માહિતી મળતાં જ રવિવારે વહેલી સવારે પોલીસની ટુકડીઓ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સોસાયટીને ચારે બાજુથી અસરકારક રીતે કૉર્ડન કર્યા પછી પોલીસે પરિસરમાં અને આજુબાજુના રસ્તા પર જાહેર પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
ડીસીપી અજયકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ અને ઝોન ૧૧ના સિનિયર ઑફિસર્સ નિનાદ સાવંત તથા સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જ્યોતિ ભોપલે અને બોરીવલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદીપ કાલે અન્ય કર્મચારીઓ સાથે સોસાયટીમાં પ્રવેશ્યા હતા અને જ્યાં કથિત આતંકવાદીઓ હોવાની જાણ થઈ હતી એ ફ્લૅટને ઘેરી લીધો હતો. એ ફ્લૅટ પપ્પુરામ સુતારના નામે હતો. દરવાજો ખટખટાવ્યા બાદ પોલીસ અધિકારીઓ તરત જ એ ફ્લૅટમાં પ્રવેશ્યા હતા. તપાસ બાદ ભાડૂત મદન પ્રજાપતિ અને તેના પરિવારની પૂછપરછ કરવામાં આવી હતી. તેઓ બે મહિનાથી ભાડૂત હતા અને નજીકમાં જ ગિફ્ટ-શૉપ ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું.
ADVERTISEMENT
બોરીવલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ઘરની તપાસ દરમિયાન કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી. તપાસમાં ઍર ઇન્ડિયાના ઑપરેશન્સ મૅનેજર ભૂષણ પાલકરે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ખોટો ફોન કર્યો હોવાનું બહાર આવ્યું હતું. ફ્લૅટ-નંબર ૧૮માં રહેતો ભૂષણ પાલકર તેના મકાનમાલિક પપ્પુરામ સુતાર પાસેથી ફ્લૅટ-નંબર ૧૭ ખરીદવાનો હતો. જોકે જ્યારે રાજસ્થાનના પપ્પુરામ સુતારે એ વેચવાનો ઇનકાર કર્યો ત્યારે ભૂષણ પાલકરે કથિત રીતે ડર પેદા કરવા માટે ખોટી આતંકવાદી ધમકીઓનું આયોજન કર્યું હતું. તેને એવી અપેક્ષા હતી કે તે મિલકત વેચી દેશે.’
અન્ય અધિકારીએ ઉમેર્યું હતું કે ‘અમે કેસ નોંધ્યો છે અને ભારતીય દંડસંહિતાની કલમો હેઠળ નારાયણ પાલકરની ધરપકડ કરી છે. તેને હૉલિડે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને પોલીસ-કસ્ટડીમાં રિમાન્ડ આપવામાં આવ્યા હતા.’

