મરાઠીમાં નહીં જ બોલું એમ કહીને MNSના કાર્યકરોના રોષનો ભોગ બન્યો બોરીવલીનો ગુજરાતી યુવાન
પહેલાં આક્રમક અને પછી માફી માગતો તનિષ્ક વાસુ.
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મરાઠી અને બિન-મરાઠીનો મુદ્દો અવારનવાર ગાજતો રહે છે. રાજકીય પાર્ટીના કાર્યકરો આ મુદ્દે બિન-મરાઠી લોકોને મરાઠી ભાષા બોલવા માટે ફરજ પાડતા હોવાની ઘટના બનતી રહે છે. બોરીવલીના ચંદાવરકર રોડ પર શનિવારે રાતે ફરી પાછો ગુજરાતી-મરાઠી વિવાદનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. બોરીવલી-વેસ્ટની નટરાજ લેનમાં રહેતો ૨૩ વર્ષનો તનિષ્ક વાસુ ઓવરટેક કરી આગળ નીકળવા જતાં તેનો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકર વૈશભ બોરકર સાથે મરાઠી ન બોલવા વિશે વિવાદ થયો હતો. એ દરમ્યાન થોડી વારમાં જ MNSના અનેક કાર્યકરો ભેગા થઈ જતાં તનિષ્કે માફી માગી હોવાનું વિડિયોમાં જોવા મળ્યું હતું. આ મામલે બોરીવલી પોલીસે ક્રૉસ નૉન કૉગ્નિઝેબલ (NC) ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શું હતી ઘટના?
ADVERTISEMENT
MNSના કાર્યકર વૈશભ બોરકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સાંજે ૭ વાગ્યે મારી પત્ની અને મારા નાના દીકરા સાથે હું મારી કારમાં ચંદાવરકર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળ આવતી એક રેન્જ રોવર કારનો ડ્રાઇવર સતત હૉર્ન વગાડીને અપર-ડિપર મારી રહ્યો હતો. એ સમયે મારો દીકરો સતત રડી રહ્યો હોવાથી મારી કાર ધીમી ગતિએ જઈ રહી હતી. આગળ સિગ્નલ હોવાથી મેં પાછળ આવતી કારના ડ્રાઇવરને ધીમી કાર ચલાવો, ગાડીમાં એક બાળક છે એવું મરાઠીમાં કહ્યું ત્યારે કારમાંથી મને મરાઠી સમજાતી નથી, હિન્દીમાં બોલો એવો જવાબ મળ્યો હતો. મેં તેને સ્પષ્ટ શબ્દોમાં મરાઠીમાં બોલવા કહ્યું ત્યારે તેણે આ મહારાષ્ટ્ર છે, અહીં હિન્દી બોલાય છે એવો જવાબ આપ્યો હતો. એ પછી તેણે તેના મિત્રોને ફોન લગાડીને તેમને ઘટનાસ્થળે બોલાવવાનું શરૂ કરી દીધું હતું. એ દરમ્યાન અમારી આખી MNS-ટીમ ઘટનાસ્થળે આવતાં તેણે તરત જ માફી માગી લીધી હતી. મારી સાથે બનેલી ઘટના મેં ફેસબુક પર પોસ્ટ કરી હતી. દરમ્યાન ગઈ કાલે મારા ઘરે પોલીસ આવી હતી. પોલીસે મારી સામે રેન્જ રોવર કારના ડ્રાઇવર તનિષ્ક વાસુએ NC નોંધાવી હોવાની જાણ કરી હતી. આ મુદ્દે મેં પણ તેની સામે NC નોંધાવી છે. આ મુદ્દો અહીં સમાપ્ત નહીં થાય. મહારાષ્ટ્રમાં દર વખતે મરાઠીના અપમાનને મજબૂત રીતે હરાવવામાં આવશે.’
આ મુદ્દે કાયદાકીય પ્રક્રિયા કરીશ
તનિષ્ક વાસુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારા અગત્યના કામ માટે જઈ રહ્યો હતો ત્યારે આ વિવાદ થયો હતો. આ મુદ્દે મેં બોરીવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેમ જ મારી સાથે બનેલી ઘટનામાં લીગલ પ્રક્રિયા જાણીને હું કાયદાકીય પ્રક્રિયા તરફ આગળ વધીશ.’
જોકે એમ કહીને તેણે વધુ વાત કરવાનું ટાળ્યું હતું.
ક્રૉસ NC નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી
બોરીવલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં બન્ને જણે એકબીજા પર આરોપ મૂકીને ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક માહિતીના આધારે અમે બન્નેની NC નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયો વિશે ચોક્કસ તપાસ કરવામાં આવશે તેમ જ ઘટના શું બની હતી એ જાણવાની કોશિશ પણ કરવામાં આવશે.’


