બોમ્બે હાઇકોર્ટને બદલાપુર એન્કાઉન્ટરની વિગતો જોઇએ છે, દાળમાં કંઇક કાળું હોવાની આશંકા જતાવી
અક્ષય શિંદે લઇ જતી પોલીસ - ફાઇલ તસવીર
બદલાપુર જાતીય સતામણીના આરોપી અક્ષય શિંદેનું પોલીસ કસ્ટડીમાં ગોળી મારીને એન્કાઉન્ટર કરવામા આવ્યું કારણકે તેણે કથિત રીતે પોલીસકર્મી પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનાના બે દિવસ પછી બોમ્બે હાઈકોર્ટે બુધવારે મુંબઈ પોલીસની ઝાટકણી કાઢી હતી. 24 વર્ષીય યુવકના મૃત્યુ તરફ દોરી જવાના સંજોગો વિશે પોલીસને આકરા પ્રશ્નો પૂછતા, કોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં કંઇક ખોટું હોવાનું જણાયું હતું અને સૂચના આપી હતી કે આ બાબતે નિષ્પક્ષ તપાસની જરૂર છે.
કોર્ટે પોલીસને આરોપીને અક્ષય શિંદેને જેલમાંથી બહાર લાવવાની ક્ષણથી લઈને શિવાજી હોસ્પિટલમાં મૃત જાહેર ન થાય ત્યાં સુધી સીસીટીવી ફૂટેજ સાચવવાનો પણ નિર્દેશ આપ્યો હતો.ઘટનાઓના ક્રમનું વર્ણન કરતા, રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા મુખ્ય સરકારી વકીલે જણાવ્યું હતું કે આરોપી શિંદેને તલોજા જેલમાંથી બદલાપુર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે મદદનીશ પોલીસ નિરીક્ષક નિલેશ મોરેની પિસ્તોલ છીનવી લીધી હતી અને પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો જેમાં ત્રણ અધિકારીઓને ઈજા થઈ હતી. ત્યારબાદ પોલીસે કોર્ટને જાણ કરી કે શિંદે પોલીસે જ્યારે પોતાના બચાવ માટે ગોળીબાર કર્યો ત્યારે માર્યો ગયો હતો.
મુંબઈ પોલીસના વર્ઝનને સાંભળ્યા પછી, કોર્ટે કહ્યું, “આ માનવું મુશ્કેલ છે. પ્રથમ દૃષ્ટિએ, આમાં કંઇક ખોટી રમત થઇ હોય તેવું લાગે છે. એક સામાન્ય માણસ સાદી રિવોલ્વરની માફક પિસ્તોલ ન ચલાવી શકે. નબળો માણસ પિસ્તોલ લોડ પણ ન કરી શકે કારણકે એમ કરવામાં ખાસ્સા જોરની જરૂર પડે છે. તેમ પણ કોર્ટે ટકોર કરી હતી.
ADVERTISEMENT
બોમ્બે હાઈકોર્ટમાં આરોપીના પિતા અન્ના શિંદે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી ચાલી રહી હતી. મૃતકના પિતાએ પોલીસ કસ્ટડીમાં થયેલા તેમના પુત્રના મૃત્યુની તપાસની માંગ કરી હતી. શિંદેના પિતાએ દાવો કર્યો હતો કે તેમના પુત્રની હત્યા પાછળ એક મોટું કાવતરું હતું અને તે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે જ્યારે અક્ષય શિંદેએ પહેલીવાર ટ્રિગર ખેંચ્યું હતું, ત્યારે ચાર પોલીસ કર્મચારીઓ તેને સરળતાથી પછાડી શક્યા હોત કારણ કે તે શારીરિક રીતે બહુ મજબૂત માણસ ન હતો. તેના મોતના કારણને સ્વીકારવું મુશ્કેલ છે અને તેને એન્કાઉન્ટર ન કહી શકાય.
બદલાપુર એન્કાઉન્ટરને લઇને રાજકારણમાં પણ ગરમાવો છે, અજીત પવાર, આદિત્ય ઠાકરે, સંજય રાઉત જેવા નેતાઓએ પોતાનો દ્રષ્ટિકોણ આગળ મૂક્યો છે, ક્યાંક એન્કાઉન્ટરને આડકતરું સમર્થન છે તો ક્યાંક શાળાઓના વહીવટ કર્તાઓને બચાવવાની રમત ચાલી રહી હોવાના આક્ષેપ પણ મુકાયા છે. મૃતકનો પરિવાર પોતાના પુત્રને ગભરુ તરીકે ગણાવે છે અને તેમનું માનવું છે કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લેવાયો છે.