મહારાષ્ટ્રના કોલ્હાપુરની ૨૦૧૭ની ઘટનામાં ૬૩ વર્ષની માતાએ દારૂ પીવા માટે રૂપિયા ન આપતાં પુત્રે હત્યા કરેલી
બૉમ્બે હાઈ કોર્ટે
સગી માની હત્યા કરીને લિવર-કિડની કાઢ્યા બાદ મીઠું-મરચું ભભરાવીને ભક્ષણ કરનારા નરાધમની ફાંસીની સજા બૉમ્બે હાઈ કોર્ટે બહાલ રાખી
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ૨૦૧૭ની ૨૮ ઑગસ્ટે ૬૩ વર્ષની યલમ્મા રામા કુચકોરવી નામની મહિલાની તેના જ ૩૫ વર્ષના પુત્ર સુનીલે હત્યા કરી નાખી હતી. સગી જનેતાની હત્યા કર્યા બાદ પણ સંતોષ ન થતાં સુનીલે માતાના શરીરના ટુકડા કરવાની સાથે એમાંથી લિવર અને કિડની કાઢી હતી અને બાદમાં એમાં મીઠું-મરચું ભભરાવીને ભક્ષણ પણ કર્યું હોવાનું બાદમાં પોલીસે કરેલી તપાસમાં જણાઈ આવ્યું હતું. દારૂ પીવા માટે માતા રૂપિયા ન આપતી હોવાથી પુત્ર સુનીલે આ હત્યા કરી હતી. અત્યંત ઘાતક અને ચોંકાવનારા આ મામલામાં સ્થાનિક કોર્ટે આરોપીને ૨૦૨૧માં ફાંસીની સજા કરી હતી. આ સજાને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારવામાં આવી હતી. બૉમ્બે હાઈ કોર્ટનાં જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવાણની ખંડપીઠે ગઈ કાલે આ મામલામાં સુનીલ કુચકોરવીને ફાંસીની સજા કાયમ રાખવાનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ મોહિતે ડેરેએ ચુકાદો આપતી વખતે કહ્યું હતું કે ‘જીવ ગુમાવનારી મહિલાના શરીરની સ્થિતિ અને આરોપીની ક્રૂરતા પરથી નરભક્ષણનો આ દુર્લભ મામલો છે. આરોપીનો સુધરવાનો કોઈ ચાન્સ નથી. આરોપીએ તેની સગી માતાની હત્યા કરીને તેના શરીરમાંથી દિલ, દિમાગ, કિડની અને લિવર કાઢીને તવા પર મીઠું અને મરચું નાખીને રાંધ્યાં હતાં.’