હાઈ કોર્ટે ગયા વર્ષે નીચલી અદાલત દ્વારા સલમાન અને નવાઝ શેખ વિરુદ્ધ જારી કરવામાં આવેલા સમન્સ પણ રદ કર્યા હતા
સલમાન ખાન
બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે અભિનેતા સલમાન ખાન વિરુદ્ધ એક પત્રકાર દ્વારા ગેરવર્તણૂકનો આરોપ લગાવતી ૨૦૧૯ની ફરિયાદ રદ કરી હતી. જસ્ટિસ ભારતી ડાંગરેની સિંગલ બેન્ચે કહ્યું હતું કે સલમાન ખાન અને તેના બૉડીગાર્ડ નવાઝ શેખ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મંજૂર છે. હાઈ કોર્ટે ગયા વર્ષે નીચલી અદાલત દ્વારા સલમાન અને નવાઝ શેખ વિરુદ્ધ જારી કરવામાં આવેલા સમન્સ પણ રદ કર્યા હતા.
અશોક પાંડે નામના પત્રકારે આરોપ લગાવ્યો હતો કે ૨૦૧૯ના એપ્રિલ મહિનામાં સલમાન ખાન અને તેના બૉડીગાર્ડ નવાઝ શેખે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. સલમાન ખાન સાઇકલ ચલાવી રહ્યો હતો ત્યારે તે તેનો ફોટો પાડવાના પ્રયત્ન કરતો હતો. એ દરમ્યાન સલમાને તેનો ફોન પકડી લીધો હતો. અશોક પાંડેની ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે સલમાને કથિત રીતે દલીલ કરી હતી અને ધમકી આપી હતી. પોલીસ રિપોર્ટ જોયા બાદ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ આર. આર. ખાને જણાવ્યું હતું કે કલમ ૫૦૪ (શાંતિનો ભંગ અને ઈરાદાપૂર્વક અપમાન) અને ૫૦૬ (ગુનાહિત ધમકી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સામા પક્ષે સલમાન ખાને તેની અરજીમાં દાવો કર્યો હતો કે અશોક પાંડેની ફરિયાદમાં વિરોધાભાસ છે અને કથિત ઘટના સમયે મેં કશું કહ્યું નહોતું.