હાઈ કોર્ટના જ આદેશનું ઉલ્લંઘન કરવા બદલ તેમની ખિલાફ શું કામ અદાલતના તિરસ્કારની કાર્યવાહી ન કરવી જોઈએ એવો સવાલ ન્યાયમૂર્તિની ડિવિઝન બેન્ચે રાજકીય પક્ષોને પૂછ્યો : રાજ્યમાં વધી રહેલાં ગેરકાયદે હોર્ડિંગ્સ અને બૅનર્સને કોર્ટે બહુ જ ખરાબ અને દુખદ પરિસ્થિતિ
ફાઇલ તસવીર
આખા શહેરમાં ગેરકાયદે હોર્ડિંગ્સ અને બૅનર્સ લગાવતી પૉલિટિકલ પાર્ટીઓ પર ગુસ્સે ભરાયેલા બૉમ્બે હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચના ન્યાયમૂર્તિઓએ ગઈ કાલે તમામ રાજકીય પક્ષોને કારણદર્શક નોટિસ ઇશ્યુ કરીને તેમની ખિલાફ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ ઍક્ટ હેઠળ અદાલતના તિરસ્કારની કાર્યવાહી શું કામ ન કરવી જોઈએ એવું પૂછ્યું હતું.
આ પહેલાં પણ હાઈ કોર્ટે આખા શહેરને કદરૂપું કરતાં ગેરકાયદે હોર્ડિંગ્સ અને બૅનર્સને લઈને પૉલિટિકલ પાર્ટીઓની ઝાટકણી કાઢી હતી. જોકે ગઈ કાલે ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરે રાજ્યમાં વધી રહેલાં ગેરકાયદે હોર્ડિંગ્સ અને બૅનર્સને બહુ જ ખરાબ અને દુખદ પરિસ્થિતિ ગણાવી હતી.
ADVERTISEMENT
૨૦૧૭માં કોર્ટે આ બાબતે આદેશ આપતી વખતે તમામ પૉલિટિકલ પાર્ટીઓને સોગંદનામું દાખલ કરવા કહ્યું હતું કે તેમની પાર્ટીનો કોઈ પણ કાર્યકર ગેરકાયદે બૅનર્સ કે હોર્ડિંગ્સ નહીં લગાવે. એ સમયે ભારતીય જનતા પાર્ટી (BJP), કૉન્ગ્રેસ, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ, શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સહિતના તમામ રાજકીય પક્ષોએ સોગંદનામું દાખલ પણ કર્યું હતું; પણ તેમણે એનું પાલન ન કર્યું હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
મહાનગરપાલિકાઓ પર પસ્તાળ
આખા રાજ્યમાં ગેરકાયદે બૅનર્સ અને હોર્ડિંગ્સની સંખ્યામાં વધારો થયો હોવાનું કહ્યા બાદ કોર્ટે મહાનગરપાલિકાઓને સાણસામાં લેતાં કહ્યું હતું કે અમને એ નથી સમજાતું કે સરકાર અને મહાનગરપાલિકાની રાજ્યમાં કોઈ ગેરકાયદે કામ ન થાય એ જોવાની ફરજ હોવા છતાં અમારે આવો આદેશ શું કામ આપવો પડે છે?
કોર્ટે મહાનગરપાલિકાઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે કોર્ટના આદેશને ગંભીરતાથી નહીં લો તો અમારે નાછૂટકે તમારી ખિલાફ પણ કડક કાર્યવાહી કરવી પડશે અને તમામ મહાનગરપાલિકાના ચીફને અદાલતના તિરસ્કારની નોટિસ મોકલવી પડશે.
કોર્ટે એ પણ નોંધ્યું હતું કે મહાનગરપાલિકાઓએ ગેરકાયદે હોર્ડિંગ્સ, બૅનર્સ અને પોસ્ટર્સ દૂર કરવા માટે કાર્યવાહીઓ કરી છે; પણ એ પૂરતી નથી. રાજ્યના ઍડ્વોકેટ જનરલ બીરેન્દ્ર સરાફે કોર્ટને કહ્યું હતું કે ઇલેક્શન બાદ ૨૨,૦૦૦ જેટલાં ગેરકાયદે હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યાં છે. આ સાંભળીને કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી શહેરમાં ગેરકાયદે બૅનર્સ અને હોર્ડિંગ્સ દેખાય છે ત્યાં સુધી તમે કેટલાં દૂર કર્યાં એનું કોઈ મહત્ત્વ નથી રહેતું.
કોર્ટે હવે આ કેસની આગામી સુનાવણી ૨૭ જાન્યુઆરીએ રાખી છે.
આનાથી ખરાબ શું હોઈ શકે? ૨૦૧૭માં અમે આદેશ આપ્યો હતો કે ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવવાવાળા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. આમ છતાં આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ એ તો જુઓ. આ બહુ જ દુખદ પરિસ્થિતિ છે.
- અદાલત