દોઢ વર્ષની બાળકી પર બળાત્કાર કરનારાની આજીવન કારાવાસની સજા હાઈ કોર્ટને વધારે લાગી, ઘટાડીને ૧૦ વર્ષ કરી નાખી, હાઈ કોર્ટે સુનાવણી બાદ આરોપીની સજા ઘટાડીને ૧૦ વર્ષ કરી નાખી છે અને એના માટે કારણ એવું આપ્યું છે કે આજીવન કારાવાસની સજા વધારે પડતી છે.
બૉમ્બે હાઈકૉર્ટ (ફાઈલ તસવીર)
દોઢ વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર આરોપીને કોર્ટે ૨૦૧૩માં આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જોકે તેણે બૉમ્બે હાઈ કોર્ટેની નાગપુર બેન્ચ સમક્ષ આ ચુકાદાને પડકાર્યો હતો. હાઈ કોર્ટે સુનાવણી બાદ આરોપીની સજા ઘટાડીને ૧૦ વર્ષ કરી નાખી છે અને એના માટે કારણ એવું આપ્યું છે કે આજીવન કારાવાસની સજા વધારે પડતી છે.
આકોલામાં બનેલી આ ઘટનામાં આરોપી પીડિતાના ઘરમાં કોઈ પુરુષ હાજર નહોતો ત્યારે પરાણે ઘૂસી ગયો હતો અને બાળકી પર હાવી થવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે બાળકીની મમ્મીએ તેને પડકાર્યો હતો અને આખરે પાડોશીઓની મદદ લેવા, તેમને બોલાવવા બહાર દોડી ગઈ હતી. તે પાછી આવી ત્યારે તેણે જોયું કે આરોપી બાળકી પર બળાત્કાર કરી રહ્યો છે. એથી તેણે આરોપીને હડસેલ્યો હતો ત્યારે આરોપીએ બાળકીને છોડી તેની મમ્મીનું જ કાંડું પકડી તેના પર જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીની માતાએ એ વખતે બૂમાબૂમ કરી મૂકતાં આરોપી તેને છોડીને નાસી ગયો હતો. આ કેસમાં ત્યાર બાદ ફરિયાદ કરાઈ અને પોલીસે આરોપીને ઝડપી તેની સામે બળાત્કાર અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.
ADVERTISEMENT
આરોપીએ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો અને એ બાબતના સંયોગિક અને મેડિકલ પુરાવાને આધારે આરોપીને દોષી ઠેરવવાનો ટ્રાયલ કોર્ટનો ચુકાદો યોગ્ય હોવાનું હાઈ કોર્ટની નાગપુર બેન્ચે કહ્યું હતું. જોકે એનું કહેવું હતું કે આ ગુના માટે ૧૦ વર્ષની સજા પૂરતી છે, ટ્રાયલ કોર્ટે આપેલી આજીવન કારાવાસની સજા વધારે પડતી કઠોર હતી.

