આ કેસને ઉજાગર કરવાનો દાવો કરનાર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે પોતાની સુરક્ષા માટે કોર્ટમાં કરેલી અરજીની સુનાવણી કરતાં ન્યાયમૂર્તિએ કહ્યું કે પોલીસ પાસે આ કેસની ઘણી માહિતી હતી, પણ એણે કંઈ કર્યું નહીંઃ અરજદારે જૂન ૨૦૨૪માં કૌભાંડની માહિતી પોલીસને આપી હતી
ટોરેસ જ્વેલરી
પ્લૅટિનમ હર્ન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ટોરેસ જ્વેલરી બ્રૅન્ડના નામે છેતરપિંડી કરીને લોકોને કરોડો રૂપિયામાં નવડાવ્યા હોવાથી ગઈ કાલે આ કેસસંબંધિત સુનાવણી વખતે બૉમ્બે હાઈ કોર્ટ પોલીસ પર વરસી પડી હતી.
આ કેસને ઉજાગર કરવાનો દાવો કરનાર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અભિષેક ગુપ્તાએ રક્ષણ મેળવવા માટે કરેલી અરજીની સુનાવણી વખતે ન્યાયમૂર્તિ રેવતી ડેરે અને નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે પોલીસની તપાસ સામે નારાજગી વ્યક્ત કરીને કહ્યું હતું કે ‘જે રીતે આ કેસની તપાસ ચાલી રહી છે એનાથી અમને આઘાત લાગ્યો છે. આના માટે ક્યાંક પોલીસ પણ જવાબદાર છે, કારણ કે તેમની પાસે આ કંપની અને એની લોભામણી સ્કીમ વિશે ઘણી માહિતીઓ હતી. ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW) જેવી સ્પેશ્યલાઇઝ્ડ એજન્સીએ વિદેશી આરોપીઓને ભારત છોડીને જવાની તક આપી એ બહુ જ દુર્ભાગ્યપૂર્ણ વાત કહેવાય.’
ADVERTISEMENT
પોલીસ હજી અભિષેક ગુપ્તાને કોઈએ ધમકી આપી છે કે નહીં એની તપાસ કરી રહી હોવા છતાં કોર્ટે અરજદારને રક્ષણ પૂરું પાડવાનો પોલીસ-કમિશનરને આદેશ આપ્યો હતો. EOWએ આ કેસમાં અત્યાર સુધી બે વિદેશી સહિત કુલ ત્રણ જણની ધરપકડ કરી છે.
અરજદારે પોતાની પિટિશનમાં એવો દાવો કર્યો છે કે જૂન ૨૦૨૪માં જ્યારે તે પ્લૅટિનમ હર્ન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ઑડિટ કરતા હતા ત્યારે ટોરેસ બ્રૅન્ડના નામે કૌભાંડ થઈ રહ્યું હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું અને આ વાતની જાણ તેમણે પોલીસને પણ કરી હતી, પણ પોલીસે કોઈ ઍક્શન નહોતી લીધી.
પોલીસ વતી ઍડિશલ પ્રોસિક્યુટર પ્રાજક્તા શિંદેએ કહ્યુ હતું કે પોલીસે પગલાં લઈને અત્યાર સુધીમાં પચીસ કરોડ રૂપિયાની રિકવરી કરી છે. આ સાંભળીને ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે આ રૂપિયા તો આખા સ્કૅમનો એક ટકો પણ નથી. પોલીસે અત્યાર સુધી ક્લોઝ સર્કિટ ટેલિવિઝન (CCTV)નાં ફુટેજ પણ મેળવ્યાં ન હોવાથી કોર્ટે આ બાબતે પણ નારાજગી વ્યક્ત કરી હતી. આ કેસના ૧૧ આરોપીઓ અત્યારે ભાગેડુ છે અને તેમની સામે ઍરપોર્ટ પર લુક આઉટ નોટિસ પણ ઇશ્યુ કરવામાં આવી છે.