આ પુરુષ કર્મચારી પર મુખ્ય આરોપ એ હતો કે તેણે એક મીટિંગ વખતે મહિલા સહકર્મીના લાંબા વાળની મજાક કરી હતી
પ્રતીકાત્મક તસવીર
ઑફિસની મીટિંગમાં મહિલા કર્મચારીના વાળ જોઈને ‘યે રેશમી ઝુલ્ફેં’ ગીત ગાવું એ કાર્યના સ્થળે જાતીય સતામણી નથી એવો ચુકાદો બૉમ્બે હાઈ કોર્ટે આપ્યો છે. બૉમ્બે હાઈ કોર્ટે જાતીય સતામણીના આ કેસમાં પુરુષ કર્મચારી વિરુદ્ધ ઇન્ટર્નલ કમ્પ્લેઇન્ટ્સ કમિટી (ICC)ના અહેવાલ અને પુણે ઇન્ડસ્ટ્રિયલ કોર્ટના ચુકાદાને રદ કર્યો હતો અને એનાં તારણોને અસ્પષ્ટ અને અપ્રમાણિત ગણાવ્યાં હતાં.
જસ્ટિસ સંદીપ માર્નેએ પુરુષ કર્મચારીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો જેણે ઍડ્વોકેટ સના રઈસ ખાન દ્વારા ICCના ૨૦૨૨ના ૩૦ સપ્ટેમ્બરના અહેવાલને પડકાર્યો હતો. આ કમિટીએ તેને ગેરવર્તણૂકનો દોષી ઠેરવ્યો હતો, જેને ૨૦૨૪ના જુલાઈમાં પુણે ઇન્ડસ્ટ્રિયલ કોર્ટે સમર્થન આપ્યું હતું.
ADVERTISEMENT
આ પુરુષ કર્મચારી પર મુખ્ય આરોપ એ હતો કે તેણે એક મીટિંગ વખતે મહિલા સહકર્મીના લાંબા વાળની મજાક કરી હતી અને પૂછ્યું હતું કે શું એને બાંધવા માટે JCBની જરૂર છે? તે ‘યે રેશમી ઝુલ્ફેં’ એ ગીતની લાઇન પણ બોલ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે ફરિયાદીએ શરૂઆતમાં આ જાતીય સતામણીનો વિચાર કર્યો નહોતો. ICCએ એક બીજી ઘટનાનો પણ હવાલો આપ્યો હતો જેમાં કર્મચારીએ કથિત રીતે મહિલાઓની હાજરીમાં એક પુરુષ કર્મચારીના પ્રાઇવેટ પાર્ટ વિશે કમેન્ટ કરી હતી. તેણે દલીલ કરી હતી કે આ એક મજાક હતી. જોકે કોર્ટે નોધ્યું હતું કે પુરુષ સાથીદારે ગુનો કર્યો નથી.

