રાજ્ય સરકારે હોમ ડિપાર્ટમેન્ટના અપર સેક્રેટરીની અધ્યક્ષતા હેઠળ એક કમિટી બનાવી તેમને સ્પા અને મસાજ પાર્લર સંદર્ભે પૉલિસી ઘડી કાઢવા જણાવ્યું છે.
બોમ્બે હાઈ કોર્ટની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પોલીસ દ્વારા સ્પા અને મસાજ પાર્લર પર અવારનવાર પાડવામાં આવતી રેઇડ અને એથી થતી હેરાનગતિ સામે ફરિયાદો કરવામાં આવતી હતી. આ સંદર્ભે બૉમ્બે હાઈ કોર્ટમાં કરવામાં આવેલી યાચિકાની સુનાવણી કરીને હાઈ કોર્ટે રાજ્ય સરકારને આ બાબતે એક ચોક્કસ પૉલિસી ઘડી કાઢવામાં આવે એવું સૂચન કર્યું છે. એથી રાજ્ય સરકારે હોમ ડિપાર્ટમેન્ટના અપર સેક્રેટરીની અધ્યક્ષતા હેઠળ એક કમિટી બનાવી તેમને સ્પા અને મસાજ પાર્લર સંદર્ભે પૉલિસી ઘડી કાઢવા જણાવ્યું છે.
માયા પાલવે અને અન્ય ૧૦ જણે સાથે મળીને આ અરજી કરી હતી. તેમનું કહેવું હતું કે અનૈતિક વ્યાપાર પ્રતિબંધક કાયદા, ૧૯૫૬ની જોગવાઈઓ હેઠળ પોલીસ વારંવાર કોઈ પણ કારણ વગર રેઇડ પાડે છે અને અમને હેરાન કરે છે એટલું જ નહીં, આ વ્યવસાય કરવાના અને ઇજ્જતથી જીવવાના અમારા હક પર તરાપ મારે છે.
ADVERTISEMENT
રાજ્ય સરકારે આ કમિટીને રાજ્યના સ્પા અને મસાજ સેન્ટર પર નિયંત્રણ કઈ રીતે રાખવાથી લઈને આ કેન્દ્ર ચલાવવા અને એના માટે જરૂરી લાઇસન્સ માટે પૉલિસી બનાવી આપવા જણાવ્યું છે. જો શક્ય હોય તો ૧૦ જૂન સુધીમાં આ રિપોર્ટ સુપરત કરવા જણાવવામાં આવ્યું છે.

