હાઈ કોર્ટે કહ્યું કે આ આદેશ ઉતાવળમાં પસાર કરવામાં આવ્યો હતો
રોહિત પવાર
બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા શરદ પવારની આગેવાની હેઠળની એનસીપીના ધારાસભ્ય રોહિત પવાર દ્વારા ચલાવવામાં આવતી બારામતી ઍગ્રો લિમિટેડના એક ભાગ સામે પસાર કરાયેલા, બંધ કરવાના આદેશને ફગાવી દીધો હતો. ન્યાયાધીશ નીતિન જામદારની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે એમપીસીબીનો આદેશ ‘અપ્રમાણસર’ હોવાથી અલગ રાખવામાં આવ્યો હતો અને નોંધ્યું હતું કે આદેશ ઉતાવળમાં પસાર કરવામાં આવ્યો હતો. બેન્ચે એમપીસીબીને નિર્દેશ આપ્યો છે કે એ કંપનીને શરૂઆતમાં ઇશ્યુ કરાયેલી કારણ બતાવો નોટિસને આધારે મામલાની નવેસરથી સુનાવણી કરે અને નિર્ણય કરે.
એમપીસીબીએ ૨૭ સપ્ટેમ્બરે ક્લોઝર ઑર્ડર નોટિસ જારી કરી હતી, જેમાં બારામતી ઍગ્રો લિમિટેડનો પાર્ટ ૭૨ કલાકની અંદર બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કંપનીએ આ નોટિસને હાઈ કોર્ટમાં પડકારી હતી. ફર્મે ઍડ્વોકેટ અક્ષય શિંદે દ્વારા દાખલ કરેલી અરજીમાં આરોપ લગાવ્યો છે કે ‘રાજકીય પ્રભાવને કારણે અને અરજદાર કંપનીના ડિરેક્ટર એટલે કે રોહિત પવાર જે વિધાનસભ્ય પણ છે, તેમના પર દબાણ કરવા માટે વર્તમાન રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ આદેશ આપવામાં આવ્યો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે કંપનીએ યુનિટના સંચાલન માટે સમયસર જરૂરી પરવાનગીઓ મેળવી છે અને એને ૨૦૨૨માં પર્યાવરણીય મંજૂરી પણ આપવામાં આવી હતી.’
ADVERTISEMENT
સામે પક્ષે એમપીસીબીએ દાવો કર્યો હતો કે પુણે સ્થિત યુનિટના નિયમિત નિરીક્ષણ દરમ્યાન કેટલીક ગેરરીતિઓ મળી આવી હતી. સપ્ટેમ્બરમાં એમપીસીબીએ અરજદાર કંપનીને કારણદર્શક નોટિસ જારી કરી હતી, જેનો જવાબ આપવામાં આવ્યો હતો અને વ્યક્તિગત સુનાવણી પણ કરવામાં આવી હતી.