ફૅમિલી કોર્ટે નામંજૂર કરેલા ડિવૉર્સ હાઈ કોર્ટના આદેશને પગલે ફૅમિલી કોર્ટે જ મંજૂર કરવા પડ્યા
ગઈ કાલે બાંદરા ફૅમિલી કોર્ટમાં આવેલાં યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા.
ચહલે ભરણપોષણના ૪.૭૫ કરોડ રૂપિયામાંથી ૨.૩૭ કરોડ રૂપિયા જ આપ્યા હોવાથી ફૅમિલી કોર્ટે કન્સેન્ટ ટર્મનું સંપૂર્ણ અનુપાલન ન થયું હોવાનું કહીને છૂટાછેડા નહોતા આપ્યા. જોકે હાઈ કોર્ટે આ ચુકાદાને ઊથલાવીને કહ્યું કે કન્સેન્ટ ટર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે ભરણપોષણનો બીજો હપ્તો ડિવૉર્સ પછી આપવાનો છે
બૉમ્બે હાઈ કોર્ટે ફૅમિલી કોર્ટને ગુરુવારે જ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ દાખલ કરેલી છૂટાછેડાની અરજી પર ચુકાદો આપવાનો બુધવારે આદેશ આપ્યા બાદ બાંદરાની ફૅમિલી કોર્ટે બન્નેના છૂટાછેડા મંજૂર કરી દીધા હતા. યુઝવેન્દ્રએ પોતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં બિઝી થઈ જવાનો હોવાથી હાઈ કોર્ટને છૂટાછેડાના ચુકાદામાં વિલંબ ન કરવાની વિનંતી કરી હતી.
બુધવારે હાઈ કોર્ટે છૂટાછેડા મંજૂર કરતાં પહેલાંની ૬ મહિનાની કૂલિંગ ઑફ પિરિયડની શરત માફ કરી દીધી હતી. ડિવૉર્સની કન્સેન્ટ ટર્મ મુજબ ચહલે ધનશ્રીને ભરણપોષણ પેટે કુલ ૪.૭૫ કરોડ રૂપિયા આપવાના છે જેમાંથી ૨.૩૭ કરોડ રૂપિયા ચૂકવી દીધા છે.
ADVERTISEMENT
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી અઢી વર્ષથી અલગ રહે છે અને બન્નેએ સાથે મળીને કન્સેન્ટ ટર્મ દાખલ કરી હોવાથી એને ધ્યાનમાં રાખીને હાઈ કોર્ટે છૂટાછેડાનો ચુકાદો આપવાનો ફૅમિલી કોર્ટને આદેશ આપ્યો હતો.
ચહલ અને ધનશ્રીનાં લગ્ન ડિસેમ્બર ૨૦૨૦માં થયાં હતાં અને જૂન ૨૦૨૨થી તેઓ જુદાં રહે છે. તેમણે પાંચમી ફેબ્રુઆરીએ ફૅમિલી કોર્ટમાં ડિવૉર્સ માટે અરજી કરી હતી જેમાં તેમણે ૬ મહિનાના કૂલિંગ ઑફ પિરિયડને માફ કરવા કહ્યું હતું. આમ તો કૂલિંગ ઑફ પિરિયડમાં બન્ને વચ્ચે સમાધાન થવાની શક્યતા તપાસવામાં આવતી હોવાથી છૂટાછેડાની અરજી પર ત્યાર બાદ જ ચુકાદો આપવામાં આવે છે. જોકે ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો હતો જેમાં એણે જો બન્ને પાર્ટી વચ્ચે સમાધાનની શક્યતા ન હોય તો કૂલિંગ ઑફ પિરિયડ માફ કરવાની છૂટ આપવાનું કહ્યું હતું.
આમ છતાં ફૅમિલી કોર્ટે તેમણે દાખલ કરેલા કન્સેન્ટ ટર્મનું સંપૂર્ણ અનુપાલન કરવામાં આવ્યું ન હોવાનું કહ્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે યુઝવેન્દ્ર ચહલે ૪.૭૫ કરોડ રૂપિયા ભરણપોષણના આપવાના છે, પણ એની સામે તેણે ૨.૩૭ કરોડ રૂપિયા જ આપ્યા છે. આ કારણ આપીને ફૅમિલી કોર્ટે છૂટાછેડા મંજૂર નહોતા કર્યા. એને લીધે તેમણે હાઈ કોર્ટમાં યાચિકા દાખલ કરી હતી.
હાઈ કોર્ટે ફૅમિલી કોર્ટનો ૨૦ ફેબ્રુઆરીનો ચુકાદો અમાન્ય રાખીને કહ્યું હતું કે કન્સેન્ટ ટર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે ભરણપોષણનો બીજો હપ્તો છૂટાછેડા મંજૂર થયા બાદ આપવામાં આવશે. ત્યાર બાદ હાઈ કોર્ટે ફૅમિલી કોર્ટને ગુરુવારે જ છૂટાછેડાનો નિર્ણય આપવાનો આદેશ આપ્યો હતો.

