ફેરિયાઓના મામલે બૉમ્બે હાઈ કોર્ટે ફરી ખખડાવ્યાં ગવર્નમેન્ટ, BMC અને પોલીસને- અદાલતે આકરા શબ્દોમાં કહ્યું કે ગેરકાયદે ફેરિયા બેસવા ન જોઈએ, એક વાર હટાવ્યા પછી પાછા ન આવવા જોઈએ
ફેરિયાઓ
રોડ પર પથારો પાથરી બેસી જતા ગેરકાયદે ફેરિયાઓ વિરુદ્ધની અરજીની સુનાવણી કરી રહેલી બૉમ્બે હાઈ કોર્ટે આ મુદ્દે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને પોલીસ બન્નેને ખખડાવ્યાં હતાં. કોર્ટે કહ્યું હતું કે ‘એક પણ રસ્તો કે એક પણ ગલી ફેરિયામુક્ત નથી. આખા મુંબઈમાં ગેરકાયદે ફેરિયા ફેલાઈ ગયા છે. એથી લોકો રસ્તા પર ગલીઓમાં ફ્રીલી ચાલી પણ નથી શકતા.’ આ સુનાવણી કરી રહેલી બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ અજય ગડકરી અને કમલ ખાતાની બેન્ચે સરકાર, BMC અને પોલીસને જોરદાર ખખડાવ્યાં હતાં.
સરકાર તરફથી રજૂઆત કરતાં પૂર્ણિમા કંથારિયાએ કહ્યું હતું કે ‘ગેરકાયદે ફેરિયાઓ હટાવવા પોલીસ-કર્મચારીઓને તહેનાત કરવામાં આવે છે. જોકે એ લોકો ફેરિયાઓને એમ ન પૂછી શકે કે તેઓ પાસે લાઇસન્સ છે કે નહીં. તેમને હટાવવાની કાર્યવાહી માત્ર લાઇસન્સ વગરના ગેરકાયદે ફેરિયા સામે જ કરી શકાય છે.’
ADVERTISEMENT
કોર્ટે તેમને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ‘તેમને (પોલીસને) ફેરિયાઓ પાસે લાઇસન્સ છે કે નહીં એ પૂછવાથી કોઈ નથી રોકતું, તેમણે એ પૂછવું પણ જોઈએ અને જેની પાસે લાઇસન્સ ન હોય તેની સામે ઍક્શન પણ લેવી જોઈએ. અમે તેમને હંમેશ માટે હટાવવા માગીએ છીએ, એ પાછા ન આવવા જોઈએ. તેમને હટાવવા બીટમાર્શલ હોવા જોઈએ. જો તેમને હટાવવા છતાં એ પાછા આવી જતા હોય તો મૅડમ, સમસ્યા તમારા પક્ષે છે. બધી જ સરકારી એજન્સીઓ, BMC, પોલીસ બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. જો સરકાર આ બાબતે અસમર્થતા દર્શાવે તો એ ન ચલાવી લેવાય. એક વાર હટાવ્યા બાદ ફેરિયા પાછા ન બેસવા જોઈએ. અમે રાજ્ય સરકાર પાસેથી એવું સાંભળવા નથી માગતા કે તેઓ ફેરિયાઓના આ દૂષણને રોકી નથી શકતા. તમે મહારાષ્ટ્રની સરકાર છો. તમારે એના પર અંકુશ રાખવો જ પડે, તમે હેલ્પલેસ થઈ જાઓ એ ન ચાલે. જો તમારી પાસે જે ફોર્સ (પોલીસ ફોર્સ) છે એ ઓછી પડતી હોય તો રિઝર્વ પોલીસમાંથી એક્સ્ટ્રા ફોર્સ મગાવો, પણ એક વાર હટાવેલા ફેરિયા પાછા ન બેસવા જોઈએ.’