Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner

જીવદયાનો વિજય

Published : 30 August, 2022 09:08 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

દેવનાર કતલખાનામાં નિકાસ માટે પશુઓની કતલ કરવા પર મુંબઈ હાઈ કોર્ટની બંધી : શ્રી અખિલ ભારત ગો સેવા સંઘ અને વિનિયોગ પરિવારને ૧૨ વર્ષે પર્યુષણ દરમ્યાન મળેલી આ જીત ખાસ છે

દેવનારના કતલખાનામાં લઈ જવાઈ રહેલા પશુઓની આ છે ફાઇલ તસવીર

દેવનારના કતલખાનામાં લઈ જવાઈ રહેલા પશુઓની આ છે ફાઇલ તસવીર


મુંબઈ હાઈ કોર્ટે ગઈ કાલે એક શકવર્તી ચુકાદો આપતાં કહ્યું હતું કે દેવનાર કતલખાનામાં નિકાસ માટે કતલ થઈ શકશે નહીં. દેવનાર કતલખાનું એ ભારતના મુંબઈના પૂર્વ ઉપનગર દેવનારમાં આવેલું દેશનું સૌથી મોટું કતલખાનું છે. આ કતલખાનું ૧૯૭૧માં એશિયાનું સૌથી મોટું કતલખાનું હતું. છેલ્લાં થોડાં વર્ષોથી મુંબઈ મહાનગરપાલિકા આ કતલખાનાને વધુ આધુનિક બનાવવા માટે સક્રિય બની છે. આ સમયે કોર્ટનો આ આદેશ પશુપ્રેમી અને અહિંસાપ્રેમીઓ માટે અતિ મહત્ત્વનો બની રહેશે. કોર્ટના આ આદેશથી દેવનારમાં નિકાસ માટે થતી કરોડો પશુઓની કતલ બંધ થશે, એ જાણીને પ્રાણીપ્રેમીઓ અને અહિંસાપ્રેમીઓમાં ખુશીની લહર પ્રસરી ગઈ છે.


આ આદેશ પહેલાં મુંબઈ મહાનગરપાલિકાએ ૧૯૮૩ની ૯ મેએ એક રેઝોલ્યુશન પાસ કર્યું હતું કે દેવનાર કતલખાનું માત્ર સ્થાનિક લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે છે, છતાં ૨૦૦૯માં મુંબઈના અમુક નગરસેવકોએ જ્યારે કહ્યું કે મુંબઈનાં કતલખાનાં ખોટ કરી રહ્યાં છે ત્યારે નિકાસકારો ચોખ્ખો નફો કરી રહ્યા હોવાનું કહીને દેવનાર કતલખાનામાં નિકાસ માટે થતી કતલને રોકવાની માગણી કરી હતી. મહાનગરપાલિકાના કાયદા હેઠળ સ્થાનિક વપરાશ માટે જ કતલખાનામાં કતલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે એ સમયે મહાનગરપાલિકા તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ભેંસની વસ્તીમાં સતત ઘટાડો થવાને કારણે ભેંસના માંસની નિકાસ બે વર્ષમાં બંધ થઈ જશે.



જોકે નગરસેવકોએ સભાગૃહમાં કહ્યું હતું કે ‘કતલખાનામાં પ્રક્રિયા કરાયેલા લગભગ ૬૦ ટકા માંસની નિકાસ કરવામાં આવે છે, જેનાથી જે-તે સંસ્થાને વાર્ષિક બેથી ત્રણ કરોડ રૂપિયાની કમાણી થાય છે. જોકે મહાનગરપાલિકા એકંદરે પાંચથી છ કરોડ રૂપિયાની નુકસાની કરીને આ સુવિધા ચલાવી રહી છે.’


મહાનગરપાલિકામાં રેઝોલ્યુશન પસાર થયા પછી પણ દેવનાર કતલખાનામાં નિકાસ માટે પશુઓની કતલ થતી હોવાની જાણકારી મળતાં શ્રી અખિલ ભારત ગો સેવા સંઘ અને વિનિયોગ પરિવાર દ્વારા ૨૦૧૦માં મુંબઈ હાઈ કોર્ટમાં પિટિશન ફાઇલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે નિકાસ માટે દેવનાર કતલખાનામાં પશુઓની કતલ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં, ત્યાં ફક્ત સ્થાનિક નાગરિકોની માગ પૂરી કરવા માટે જ પશુઓની કતલ કરવાની છૂટ છે.

આ માહિતી આપતાં વિનિયોગ પરિવારના ઍડ્વોકેટ પ્રફુલ્લ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે છેલ્લાં ૧૨ વર્ષથી આ મુદ્દે મુંબઈ હાઈ કોર્ટમાં લડી રહ્યા હતા. અમે પહેલાં મુંબઈ મહાનગરપાલિકાના બાયલૉઝ, ત્યાર પછી મુંબઈ મહાનગરપાલિકાના કાયદા હેઠળ અને છેલ્લે ૧૯૮૩માં મહાનગરપાલિકામાં પસાર થયેલા રેઝોલ્યુશનના આધારે લડી રહ્યા હતા. અમારી આ લડત દરમ્યાન માંસના નિકાસકારોએ પણ તેમની દખલ અને દલીલો રજૂ કરી હતી. જોકે થોડા દિવસ પહેલાં જ મહાનગરપાલિકાએ એક ઍફિડેવિટ ફાઇલ કર્યું હતું, જેમાં તેમણે ફરીથી ૧૯૮૩ના રેઝોલ્યુશનનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે દેવનાર કતલખાનું માત્ર સ્થાનિક લોકોની માંસની જરૂરિયાતને પૂરી પાડવા માટે જ ભેંસની કતલ કરે છે. આ કતલખાનામાં ભેંસની કતલ નિકાસ માટે કરવામાં આવતી નથી. આ વાતની નોંધ લઈને ચીફ જસ્ટિસ દીપંકર દત્તા અને જસ્ટિસ કર્ણિકની ડિવિઝન બેન્ચે આદેશ આપ્યો હતો કે મહાનગરપાલિકાના ઍફિડેવિટથી શ્રી અખિલ ભારત ગો સેવા સંઘ અને વિનિયોગ પરિવાર દ્વારા ૨૦૧૦માં મુંબઈ હાઈ કોર્ટમાં પિટિશન ફાઇલ કરવાનો ઉદ્દેશ પૂરો થાય છે. એ પ્રમાણે દેવનાર કતલખાનામાં નિકાસ માટે અન્ય પશુઓની કતલ થઈ શકશે નહીં.’


અહીં મહાનગરપાલિકા દ્વારા દેવનારના આધુનિક કતલખાનામાં વધુ પશુઓની કતલ થઈ શકે, એનું સ્ટોરેજ પણ થઈ શકે એ માટે થયેલા પ્રયત્નોનો ઉલ્લેખ કરવો મહત્ત્વનો છે. આ કતલખાના માટે મહાનગરપાલિકા તરફથી શૉર્ટલિસ્ટ કરવામાં આવેલા કૉન્ટ્રૅક્ટરોમાંથી એક કૉન્ટ્રૅક્ટર યુરોપિયન કંપની હતી, જેનો પ્રાથમિક એજન્ડા કતલખાનાનો ઉપયોગ એના પોતાના અંગત લાભ માટે ખાનગી રીતે માંસની નિકાસ કરવાનો હતો, એનો ભાંડો અમુક નગરસેવિકા દ્વારા ફૂટી જતાં આધુનિક કતલખાના માટેનું ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું.

મુંબઈ હાઈ કોર્ટમાં વિનિયોગ પરિવાર વતી ઍડ્વોકેટ પ્રફુલ્લ શાહ, ઍડ્વોકેટ કેવલ શાહ અને ઍડ્વોકેટ ગુંજન શાહ તેમજ શ્રી અખિલ ભારત ગો સેવા સંઘ વતી ઍડ્વોકેટ કુણાલ કુંભટ દ્વારા કરવામાં આવેલી દલીલોને મુંબઈની વડી અદાલતે માન્ય રાખી હતી. આ માહિતી આપતાં વિનિયોગ પરિવારના અતુલ વૃજલાલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પર્યુષણ પર્વ દરમ્યાન અમારું પાંચ કર્તવ્યમાંથી પહેલું કર્તવ્ય છે, જીવહિંસા રોકવાનું. કોર્ટના આ આદેશથી અમે અમારું આ પહેલું કર્તવ્ય પૂરું કરવામાં સિદ્ધ થયા છીએ. આનાથી દેવનારના કતલખાનામાં નિકાસ માટે કરોડો પશુઓની થતી કતલો બંધ થશે.’

Whatsapp-channel Whatsapp-channel

30 August, 2022 09:08 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK