સલમાનના મૅનેજર પ્રશાંત ગુંજલકરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
સલમાન ખાન
બૉલીવુડના અભિનેતા સલમાન ખાનને ધમકી આપવાના મામલામાં જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ અને મોહિત ગર્ગ સામે બાંદરા પોલીસે એફઆઇઆર નોંધ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તિહાર જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈએ એક ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં સલમાન ખાનને ખતમ કરવાનું પોતાના જીવનનું લક્ષ્ય હોવાનું કહ્યું હતું. આ સંદર્ભે એક ઈ-મેઇલ પણ મોકલવામાં આવી છે એટલે સલમાનના મૅનેજર પ્રશાંત ગુંજલકરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બાંદરા પોલીસે નોંધેલા એફઆઇઆર મુજબ શનિવારે બપોર બાદ સલમાન ખાનની ઑફિસમાં ધમકીની ઈ-મેઇલ મોકલવામાં આવી હતી. આ ઈ-મેઇલ મોહિત ગર્ગ નામના આઇડીથી મોકલવામાં આવી હતી. એમાં લખવામાં આવ્યું હતું કે ‘ગોલ્ડીભાઈ (ગોલ્ડી બ્રાર) કો બાત કરની હૈ તેરે બૉસ સલમાન સે. ઇન્ટરવ્યુ (લૉરેન્સ બિશ્નોઈ) દેખ હી લિયા હોગા ઉસને. શાયદ નહીં દેખા હો તો બોલ દો દેખ લે. મૅટર ક્લોઝ કરના હૈ તો બાત કરવા દો. ફેસ-ટુ-ફેસ બાત કરની હૈ વો બતા દો. અભી સમય રહતે ઇન્ફૉર્મ કર દિયા હૈ. અગલી બાર ઝટકા હી દેખને કો મિલેગા.’
ADVERTISEMENT
ધમકીની ઈ-મેઇલ મળ્યા બાદ સલમાન ખાનના મૅનેજર પ્રશાંત ગુંજલકરે બાંદરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને પોલીસે બાદમાં લૉરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અને મોહિત ગર્ગ સામે એફઆઇઆર નોંધ્યો હતો.