તેરાપંથ સંપ્રદાયના મુનિશ્રી મહેન્દ્રકુમારસ્વામીનો સંથારો સીઝ્યો એના પંદરેક દિવસ પહેલાં પંદર મિનિટ માટે મળવા ગયેલો આમિર તેમનાથી એટલો પ્રભાવિત થયો કે સાડાત્રણ કલાક વાર્તાલાપ કર્યો.
કાળધર્મ પામેલા મુનિશ્રી મહેન્દ્રકુમારસ્વામીની ગુણાનુવાદ સભામાં પહોંચેલો આમિર ખાન
ગઈ કાલની ગુણાનુવાદ સભામાં તેણે આ મુનિ પાસેથી શું શીખ્યો એ વિશે શ્રાવકોને જણાવ્યું
તેરાપંથ સંપ્રદાયના પ્રખર વિદ્વાન મુનિશ્રી મહેન્દ્રકુમારસ્વામીની ગઈ કાલે વિલે પાર્લેમાં ગુણાનુવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે બૉલીવુડનો અભિનેતા આમિર ખાન ખાસ ઉપસ્થિત રહ્યો હતો. થોડા દિવસ પહેલાં જ મુનિશ્રીને માત્ર પંદર મિનિટ મળવા ગયેલો આમિર ખાન તેમની સાથે સાડાત્રણ કલાક બેઠો હતો. મુનિશ્રીના વિચારોથી પ્રભાવિત થયેલા આમિર ખાને ગુણાનુવાદ સભામાં કહ્યું હતું કે બિઝી લાઇફમાં દરેકે પોતાના વ્યવસાયમાંથી થોડો સમય પોતાના માટે પણ કાઢવો જોઈએ.
ADVERTISEMENT
તેરાપંથ સંપ્રદાયના મુનિશ્રી મહેન્દ્રકુમારસ્વામી ૬ એપ્રિલે વિલે પાર્લેમાં સંથારો સીઝી જવાથી કાળધર્મ પામ્યા હતા. તેમને હાર્ટ-અટૅક આવવાથી નાણાવટી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા, પરંતુ ૮૬ વર્ષની ઉંમર અને સિવિયર અટૅકથી તેમના બચવાની શક્યતા ઓછી હતી એટલે તેમને ડૉક્ટરોએ ડિસ્ચાર્જ આપવાની સલાહ આપી હતી.
આ વિશે તેરાપંથ સંપ્રદાય સાથે સંકળાયેલા તરુણ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુનિશ્રીને હૉસ્પિટલમાંથી વિલે પાર્લેના ફ્લૅટમાં લાવવામાં આવ્યા હતા અને તેમના આત્માના કલ્યાણાર્થે તેમને સંથારો આપવામાં આવ્યો હતો. ગણતરીની મિનિટોમાં જ સંથારો સીઝી જવાથી તેઓ કાળધર્મ પામ્યા હતા. તેમનો જન્મ મુંબઈના જેઠાભાઈ ઝવેરી પરિવારમાં થયો હતો. જોકે તેમનો પરિવાર મૂળ કચ્છના ભુજનો છે. ૬૦ વર્ષ કરતાં વધારે દીક્ષાનો પર્યાય તેમનો હતો. તેઓ પ્રોફેસરની સાથે સાયન્સ અને જૈનિઝમના પ્રખર જ્ઞાતા હતા.’
વિલે પાર્લેમાં ગઈ કાલે યોજવામાં આવેલી મુનિશ્રીની ગુણાનુવાદ સભામાં બૉલીવુડનો અભિનેતા આમિર ખાન પણ પહોંચ્યો હતો. આ વિશે અનિલ પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અભિનેતા આમિર ખાન મુનિશ્રીને મળવા થોડા દિવસ પહેલાં ગયો હતો. પંદર મિનિટને બદલે તે મુનિશ્રી પાસે સાડાત્રણ કલાક બેઠો હતો. મુનિશ્રીના વિચારથી તે એટલો પ્રભાવિત થયો હતો કે તેણે એ જ સમયે મુનિશ્રીએ લખેલાં ૧૦ પુસ્તક ખરીદ્યાં હતાં. મુનિશ્રી કાળધર્મ પામ્યા હોવાની જાણ થતાં તે આજે ગુણાનુવાદ સભામાં પણ આવ્યો હતો. આમિર ખાને આ સમયે કહ્યું હતું કે મુનિશ્રીની એક જ મુલાકાતથી મને ખ્યાલ આવ્યો છે કે કોઈ પણ ફીલ્ડમાં કામ કરતી વખતે દરેકે થોડો સમય પોતાના માટે કાઢવો જોઈએ. આમ કરવાથી માનસિક શાંતિ મળવાની સાથે શરીરને પણ ફાયદો થાય છે.’