ભાઈંદરના પ્રવીણ હરગોવિંદદાસ શાહની જગ્યાએ એવું જ નામ ધારણ કરાવીને ગોઠવવામાં આવેલા ચંદ્રકાંત ઘેલાણીની અમદાવાદથી ધરપકડ
અમદાવાદથી ધરપકડ કરવામાં આવેલા આરોપી ચંદ્રકાંત ઘેલાણી
મિલકત હડપ કરવા માટે લોકો કેવા-કેવા ખેલ કરતા હોય છે એનો એક મામલો ભાઈંદરમાં જાણવા મળ્યો છે. ભાઈંદરના પ્રવીણ હરગોવિંદદાસ શાહ નામની ગુજરાતી વ્યક્તિની ૨૩ કરોડ રૂપિયાની મિલકત હડપ કરવા માટે આ જ નામની બોગસ વ્યક્તિના ડૉક્યુમેન્ટ્સ બનાવીને પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન કરી દેવામાં આવ્યું હતું. આ મામલે જમીનમાલિકના ભત્રીજાએ બે વર્ષ પહેલાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ભાઈંદર પોલીસે બે દિવસ પહેલાં પ્રવીણ શાહ નામના આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે જમીનમાલિકનું ૧૯૯૮માં અવસાન થયું હતું અને તેમના નામે ૨૦૨૦માં એટલે કે મૃત્યુના બાવીસ વર્ષ બાદ પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
મૃત્યુ ૧૯૯૮માં, રજિસ્ટ્રેશન ૨૦૨૦માં
ADVERTISEMENT
ભાઈંદર-વેસ્ટમાં શિવસેના ગલી પાસે આવેલી પ્રવીણ હરગોવિંદદાસ શાહ નામની વ્યક્તિની માલિકીની પ્રૉપર્ટીના વેચાણનું રજિસ્ટ્રેશન તેમના નામે જ ૨૦૨૦માં એક ટ્રસ્ટના બે ટ્રસ્ટીનાં નામ પર કર્યું હતું. પ્રવીણ હરગોંવિદદાસ શાહનું અવસાન ૧૯૯૮માં થયું હતું. તેમના નામે બીજાને મિલકત વેચવામાં આવી હોવાની જાણ પ્રવીણ શાહના ભત્રીજા દીપક શશિકાંત શાહને થતાં તેમણે પહેલાં રજિસ્ટ્રેશન ઑફિસ અને પછી આ વર્ષના માર્ચ મહિનામાં ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ
ભાઈંદર પોલીસે ૨૩ કરોડ રૂપિયાની મિલકત બોગસ ડૉક્યુમેન્ટ્સને આધારે રજિસ્ટ્રેશન કરવા બદલ નકલી પ્રવીણ હરગોંવિદદાસ શાહ, દેવેન્દ્ર મણિલાલ ઘાસવાલા, સુરેશ જાદવ નકુમ, પેશઇમામ મોહમ્મદ અબ્દુલ રઉફ અને એક અજાણ્યા આરોપી મળીને કુલ પાંચ આરોપી સામે આ વર્ષની ૩૦ માર્ચે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને તપાસ હાથ ધરી હતી.
અમદાવાદથી ધરપકડ
ભાઈંદર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિવેક સોનાવણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૃત્યુ પામેલી વ્યક્તિ પ્રવીણ હરગોવિંદદાસ શાહની મિલકતનું બોગસ ડૉક્યુમેન્ટ્સના આધારે અને તેમની જગ્યાએ ફેક વ્યક્તિને હાજર કરીને રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ મળ્યા બાદ અમે પાંચ આરોપી સામે FIR નોંધીને તપાસ કરી હતી. ચાર આરોપીએ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા છે, જ્યારે પ્રવીણ હરગોવિંદદાસ શાહ ઉર્ફે ચંદ્રકાંત પ્રભુદાસ ઘેલાણીની શનિવારે અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાંથી ૨૯ ઑગસ્ટ સુધીની કસ્ટડી મેળવીને આગળની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલામાં લોકોની મિલકત હડપવા માટે બોગસ ડૉક્યુમેન્ટ્સ બનાવવા અને નકલી લોકો હાજર કરવાનું મોટું કૌભાંડ હોવાની શક્યતા છે.’