પોલીસને તેના પેટ પર ધારદાર વસ્તુ વડે હુમલાનાં નિશાન જોવા મળ્યાં છે
પ્રતીકાત્મક તસવીર
સઈના નાયગાંવ-ઈસ્ટ રેલવે સ્ટેશન તરફ જતા રોડની બાજુમાંથી એક બૅગમાંથી એક ટીનેજરનો મૃતદેહ મળવાની ઘટના ગઈ કાલે પ્રકાશમાં આવી હતી. નાયગાંવ-ઈસ્ટમાં પરેરાનગરથી નાયગાંવ રેલવે સ્ટેશન સુધીના રસ્તાની બાજુમાં મૅન્ગ્રોવ્ઝના વૃક્ષમાં સ્થાનિક લોકોએ એક શંકાસ્પદ બૅગ જોઈ હતી. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળ પર આવીને તપાસ કરી હતી. ત્યાંથી ટીનેજરની લાશ મળી આવી હતી. પોલીસને તેના પેટ પર ધારદાર વસ્તુ વડે હુમલાનાં નિશાન જોવા મળ્યાં છે. આ મામલે વાલીવ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મૃતદેહની સ્થિતિના આધારે પોલીસને તાજેતરમાં હત્યા થઈ હોવાની આશંકા છે અને પોલીસે આ કેસમાં આરોપીઓની શોધ શરૂ કરી છે. ગુરુવારે મોડી રાતે અંધેરીથી એક ટીનેજરનું અપહરણ થયું હોવાનું જણાયું હતું અને તે સ્કૂલમાં ભણતી હોવાનું જણાયું હતું. બૅગમાંથી મળેલી ટીનેજર અપહરણ કરેલી ટીનેજર હોવાની શક્યતા છે.