આગામી દિવસોમાં બીએમસી વધુ આકરી ઍક્શન લેવાના મૂડમાં છે
મરાઠીમાં બૉર્ડ માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર
દુકાનો પરનાં બોર્ડ મરાઠીમાં હોવાં જોઈએ એવા સરકારના નિર્ણય સામે અપીલ કર્યા બાદ હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે દુકાનો અને સંસ્થાઓનાં બોર્ડ મરાઠી દેવનાગરી લિપિમાં બોલ્ડ અક્ષરોમાં લગાડવાના નિર્ણયને યથાવત્ રાખ્યો હતો અને બે મહિનાની સમયમર્યાદા આપી હતી. આ મુદત ૨૫ નવેમ્બરે પૂરી થઈ ગઈ હોવાથી ૨૮ નવેમ્બરથી બીએમસીએ દુકાનો સામે લાલ આંખ કરી હતી. એ અનુસાર બીએમસીએ ચાર દિવસમાં ૧૩,૫૦૦થી વધુ દુકાનોમાં તપાસ કરીને મરાઠીમાં પાટિયાં ચડ્યાં ન હોય એવી દુકાનો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આગામી દિવસોમાં બીએમસીએ વધુ કડક રીતે કાર્યવાહી કરવાની તૈયારી દાખવી છે ત્યારે બીજી બાજુ એમએનએસ દ્વારા પણ એની પોતાની સ્ટાઇલમાં કાર્યવાહી કરવામાં આવશે.
બીએમસીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ટૅક્સ) સંજોયો કાબરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીએમસીની ટીમે ૨૮ નવેમ્બરથી એક ડિસેમ્બર એમ ચાર દિવસમાં ૧૩,૬૯૭ દુકાનોની મુલાકાત લીધી હતી. એમાંથી ૧૨,૯૭૭ પર મરાઠીમાં પાટિયાં હતાં, જ્યારે ૭૨૦ દુકાનો પર પાટિયાં મરાઠીમાં ન હોવાથી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલતી રહેશે.’
ADVERTISEMENT
મીરા-ભાઈંદરમાં પાટિયાં પર કાળો રંગ કરાયો
દુકાનો પરનાં બોર્ડ મરાઠીમાં કરવાની સમયમર્યાદાની સમાપ્તિ પછી પણ મીરા-ભાઈંદરમાં દુકાનોનાં પાટિયાં બદલાયાં નહોતાં. એથી મીરા-ભાઈંદરમાં એમએનએસએ દુકાનદારો સામે આક્રમક વલણ અપનાવ્યું હતું અને જેમણે કોર્ટના આદેશનો ભંગ કર્યો હોય અને મરાઠી ભાષામાં દુકાનોનાં પાટિયાં ન લગાવ્યાં હોય ત્યાં કાળા કલરનો રંગ લગાડી દેવામાં આવ્યો હતો.