સુધરાઈનું કહેવું છે કે નાળાની સફાઈ કરવા માટે જેસીબી જવાનો રસ્તો ન હોવાથી આવી પરિસ્થિતિ છે
ઘાટકોપર-ઈસ્ટની વલ્લભબાગ લેન તરફથી પસાર થઈ રહેલું ગંદકીથી ભરેલું ગારોડિયાનગર નાળું અને એની વચ્ચોવચ લગાવવામાં આવેલું સ્વચ્છ ભારત અભિયાનનું બૅનર (તસવીર : રોહિત પરીખ)
ઘાટકોપર (ઈસ્ટ)ના નાઇન્ટી ફીટ રોડ પાસેથી પસાર થઈ રહેલા ગારોડિયાનગર નાળાની સાફસફાઈ ઘણા લાંબા સમયથી કરવામાં આવતી નથી. આમ છતાં આ નાળાની વચ્ચોવચ સ્વચ્છ ભારત અભિયાનનું બૅનર લગાડીને આ અભિયાનને હાસ્યાસ્પદ બનાવી દીધું હોય એવી સ્થાનિક રહેવાસીઓને પ્રતીતિ થઈ રહી છે.
ગારોડિયાનગર નાળાનું કોરાનાકાળ પહેલાં મહાનગરપાલિકાએ વિસ્તૃતીકરણ કર્યું હતું. ત્યારે એમ કહેવાતું હતું કે આ નાળાનું વિસ્તૃતીકરણ થઈ જતાં ગારોડિયાનગર, પંતનગર, હિંગવાલા લેન અને આસપાસના વિસ્તારોમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો અંત આવી જશે. જોકે મહાનગરપાલિકાનો આ દાવો ૧૦૦ ટકા સાચો પડ્યો નથી. એનું મુખ્ય કારણ એ છે કે આ નાળાની સમયે-સમયે સફાઈ કરવામાં આવતી નથી. આ નાળાની બંને બાજુ સ્લમ આવેલી છે. ત્યાંના સ્લમવાસીઓ કચરાના ઢગલા આ નાળામાં કરતા હોવાથી નાળામાં કચરાના ઢગ જમા થઈ ગયા છે.
મહાનગરપાલિકાના એક અધિકારીએ સફાઈ ન થવાનું કારણ આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ નાળાની આસપાસ સ્લમ હોવાથી જેસીબી જવાની જગ્યા નથી. આ સિવાય વલ્લભબાગ લેન તરફ જેસીબી જવા માટે નાળા પર દીવાલ બાંધવામાં આવી નહોતી. જોકે ત્યાંના સ્થાનિક રહેવાસીઓએ સુરક્ષાનાં પગલાંરૂપે નાળા પર દીવાલ બાંધવાનો આગ્રહ રાખ્યો હતો. આથી નાળાના વિસ્તૃતીકરણનાં બે વર્ષ પછી નાળા પર દીવાલ બાંધી દેવામાં આવી છે. હવે નાળાની સફાઈ કરવા માટે જેસીબી જવાનો રસ્તો જ નથી.’