BMCના કર્મચારીઓ પાસે કોઈ ઑફિશ્યલ ઑર્ડર નહોતો એટલે વિરોધને પગલે રફુચક્કર થઈ ગયા
ગઈ કાલે બપોરના બે વાગ્યા પછી ચણ ચણી રહેલાં કબૂતરો, ગોવાલિયા ટૅન્કના પંદર વર્ષ જૂના એક કબૂતરખાનાને હટાવવા માટે ગઈ કાલે મહાનગરપાલિકાના કર્મચારીઓએ ઉખેડી નાખેલી લાદીઓ.
ગોવાલિયા ટૅન્કના ભગવાન પાર્શ્વનાથ ચોક પાસે આવેલા પંદર વર્ષ જૂના એક કબૂતરખાનાને ગઈ કાલે ધનતેરસના દિવસે મુંબઈ મહાનગરપાલિકાના ‘ડી’ વૉર્ડ દ્વારા તોડી પાડવામાં આવતાં સ્થાનિક જીવદયાપ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. જીવદયાપ્રેમીઓના વિરોધને કારણે મહાનગરપાલિકાના કર્મચારીઓ ત્યાંથી જતા રહ્યા હતા. જીવદયાપ્રેમીઓના કહેવા પ્રમાણે કબૂતરખાનાને તોડવા આવેલા કર્મચારીઓ પાસે કોઈ ઑફિશ્યલ ઑર્ડર નહોતો.
આ બાબતની માહિતી આપતાં જીવદયા માટે સક્રિય જસ્ટ સ્માઇલ ચૅરિટેબલ ટ્રસ્ટનાં સ્નેહા વીસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ગોવાલિયા ટૅન્કના જીવદયાપ્રેમી રહેવાસીઓએ મહાનગરપાલિકાના કર્મચારીઓ સ્થાનિક કબૂતરખાનાને તોડવા આવ્યા છે એવી ફરિયાદ કરી હતી. અમારી ટીમ તરત જ દોડીને એ સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે મહાનગરપાલિકાના ‘ડી’ વૉર્ડના કર્મચારીઓએ કબૂતરખાનાની ટાઇલ્સ ઉખેડીને મૂકી દીધી હતી. અમે તેમની પાસે કબૂતરખાનાને તોડવાનો આદેશ કોણે આપ્યો એ સવાલ કર્યો ત્યારે તેમની પાસે ફક્ત એટલો જ જવાબ હતો કે તેમને ઉપરથી આદેશ આપવામાં આવ્યો છે. તેમની પાસે કોઈ લીગલ નોટિસ કે કોર્ટનો આદેશ નહોતો. અમારી સાથે સ્થાનિક દુકાનદારો, જીવદયાપ્રેમી રહેવાસીઓ અને આ કબૂતરખાનાની જાળવણી સંભાળી રહેલા સ્થાનિક જીવદયાપ્રેમીઓ રાહુલ શાહ અને સુનીલ શાહ જોડાયા હતા. મહાનગરપાલિકાના કર્મચારીઓએ અમને સંતોષકારક જવાબ ન આપતાં અમે તરત જ પોલીસ કન્ટ્રોલને ફોન કરીને મદદ માટે બોલાવી હતી. મામલો પોલીસ-સ્ટેશન પહોંચ્યો હતો, પણ પોલીસે અમને મહાનગરપાલિકાના કામમાં તેઓ દખલગીરી નહીં કરી શકે એમ કહીને હાથ ઊંચા કરી દીધા હતા. આ દરમ્યાન મહાનગરપાલિકાના કર્મચારીઓ તેમની પાસે કોઈ ઑફિશ્યલ ઑર્ડર ન હોવાથી રફુચકકર થઈ ગયા હતા. આવી જ રીતે ત્રણ મહિના પહેલાં પણ અમુક સ્થાનિક રહેવાસીઓની ફરિયાદને કારણે મહાનગરપાલિકાએ કબૂતરખાનાને હટાવવાની કોશિશ કરી હતી, જેને કારણે પાંચ દિવસ કબૂતરખાના બંધ રહ્યું હતું અને ચણ ન મળવાથી તેઓ અશક્તિમાન બનવાથી ઊડી ન શકતાં અકસ્માતમાં ૧૦૦થી વધુ કબૂતરોનાં મોત થયાં હતાં.’
ADVERTISEMENT
ગઈ કાલે પણ કબૂતરખાનાની તોડફોડ કરવાને કારણે હજારો કબૂતરો ત્યાંથી ઊડી ગયાં હતાં એમ જણાવતાં સ્નેહા વીસરિયાએ કહ્યું હતું કે ‘જોકે બપોર પછી અમે એ જ સ્થળે ચણની વ્યવસ્થા કરતાં કબૂતરો પાછાં આવી ગયાં હતાં. તેઓ ભૂખ્યા થયાં હોવાથી ચણ પર તૂટી પડ્યાં હતાં. મહાનગરપાલિકાની ઍક્શન ભારતના બંધારણ અને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરે છે.
આ બાબતની સ્પષ્ટતા કરવા ‘મિડ-ડે’એ ‘ડી’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનરને ફોન કર્યો હતો, પણ તેમણે આ અંગે મૌન સેવીને ફોન કટ કરી નાખ્યો હતો.
કબૂતરની ચરકથી માનવી બીમાર પડે છે એના હજી કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. આમ છતાં અમને મળેલા સમાચાર પ્રમાણે ચૂંટણીના સમયે મતદારોને રીઝવવા માટે કોઈ રાજનેતાની ફરિયાદથી મહાનગરપાલિકા ગઈ કાલે કબૂતરખાનાને હટાવવા સક્રિય બની હતી, જેનો અમે સખત વિરોધ કર્યો હતો અને આગળ પણ કરીશું. - સ્નેહા વીસરિયા