બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની પ્રસૂતિ હોસ્પિટલોમાં ઓક્સિજનના પુરવઠામાં સમયાંતરે અવરોધ આવતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને પૂર્વ ઉપનગરોમાં પ્રસૂતિ હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય સિસ્ટમમાં સુધારો કરાશે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation)ની પ્રસૂતિ હોસ્પિટલોમાં ઓક્સિજનના પુરવઠામાં સમયાંતરે અવરોધ આવતા હોય છે. આવા અવરોધને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને પૂર્વ ઉપનગરોમાં પ્રસૂતિ હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય સિસ્ટમમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર પ્રથમ તબક્કામાં આ માટે નવી ચેનલ નાખવામાં આવશે. ઉપરાંત અન્ય સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે.
સિવિક બોડી પાસે 27 પ્રસૂતિ હોસ્પિટલો અને મગાથાણેમાં એક મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ છે. તેમાં ઓશિવરા, મરોલ, સાવિત્રીબાઈ ફૂલે ભાંડુપ, ડૉ. આનંદીબાઈ જોશી કુર્લા મેટરનિટી હોસ્પિટલને સેન્ટિનલ સેન્ટરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ત્યાં એક ખાસ નવજાત શિશુઓ માટેનો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ તમામ પ્રસૂતિ હોસ્પિટલોમાં સેવાઓની ગુણવત્તા અને કામગીરીને સુધારવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવેલા છે. આ પ્રયાસો હેઠળ નેશનલ અર્બન હેલ્થ મિશન હેઠળ નર્સો, લેબોરેટરી આસિસ્ટન્ટ્સ, ટેકનિશિયન, ડ્રગ મેકર્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર્સની નિમણૂક પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે એક તરફ પ્રસૂતિ હોસ્પિટલની સ્થતિમાં સુધારો આવી રહ્યો છે તો બીજી તરફ ઓક્સિજનના પુરવઠામાં ભારે અવરોધોનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આ બાબતે દર્દીઓ ઘણી ફરિયાદો કરે છે. તેમની સાથે પ્રસૂતિ હોસ્પિટલના સંચાલકોએ પણ આ અંગે મહાનગરપાલિકાને અનેક ફરિયાદો કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ફરિયાદોને અનુલક્ષીને પાલિકાના આરોગ્ય વિભાગે પ્રસૂતિ હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો સુધારવાનો નિર્ણય લીધો છે.
શહેર તેમ જ પૂર્વ ઉપનગરોમાં પ્રસૂતિ હોસ્પિટલોમાં વેન્ટિલેશન સિસ્ટમ સુધારવા માટે ટેન્ડર પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે. મેડિકલ ગેસ પાઈપલાઈન સિસ્ટમ સાથે ઓક્સિજન ઉપકરણોનું સમારકામ પણ હાથ ધરવામાં આવશે. ઉપરાંત નવી ઓક્સિજન સપ્લાય ચેનલો નાખવાનું કામ પણ કરવામાં આવશે. તે સિવાય સ્માર્ટ નેટવર્ક વીડિયો રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. નગરપાલિકાએ આ મુદ્દે જણાવ્યું હતું કે એક મહિનામાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાક્કા પાયે આ કામ શરૂ થશે.
આ સાથે જ વિશેષમાં જણાવવાનું કે, મુંબઈ – કેગના રિપોર્ટમાં મળેલી ગેરરીતિઓની તપાસ માટે મુંબઈ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શિવસેનાની વર્ષગાંઠના દિવસે તપાસ સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી.
કેગના અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રૂ. 214.48 કરોડના 20 કર્યોમાં ગેરરીતિ જોવા મળી હતી. પાંચ વિભાગમાં કુલ 64 કાર્યો પર સહી કરવામાં આવી ન હતી. દસ્તાવેજો રાખ્યા વગર કામ આપવામાં આવતું હોવાથી તપાસ કરવી અશક્ય હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ કામો 4 હજાર 755 કરોડના હતા. 13 વિભાગો દ્વારા લાગુ કરાયેલા વિવિધ પ્રોજેક્ટનો ખર્ચ 3 હજાર 355 કરોડ હતો.