વિવિધ સુવિધા ઊભી કરવાની સાથે જનજાગૃતિ કરવાનું કામ આપવામાં આવ્યું
પ્રતીકાત્મક તસવીર
વિધાનસભાની ચૂંટણી માટે આજે થનારા મતદાન પર બારીક નજર રાખવા માટે ચૂંટણીપંચે પહેલી વખત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને જવાબદારી સોંપી છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મુંબઈમાં ૫૫.૪ ટકા લોકોએ મતદાન કર્યું હતું, પણ આ વર્ષના મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ૫૨.૪ ટકા એટલે કે મતદાનનો ત્રણ ટકાનો ઘટાડો થયો હતો. મુંબઈમાં મતદાનની ટકાવારીમાં વધારો કરવાની સાથે મતદાન-કેન્દ્રોમાં વિવિધ પ્રકારની સુવિધા ઊભી કરવા માટે BMCની ટીમને કામે લગાવવામાં આવી છે.
BMCના એક અધિકારીના જણાવ્યા મુજબ ‘ચૂંટણીપંચ પાસે મર્યાદિત સ્ટાફ હોય છે જેને કારણે મતદાનના દિવસે પહોંચી વળાતું નથી. ઉપરાંત મુંબઈના ટાઉન અને સબર્બ્સ જિલ્લાની ચૂંટણી સમયે જવાબદારી પહેલાં કલેક્ટરો અને તેમની ટીમને આપવામાં આવતી હતી, જેમાં મર્યાદિત મૅનપાવરને કારણે મતદાનની પ્રક્રિયામાં થવી જોઈએ એવી સુવિધા નહોતી આપી શકાતી. આ બાબતને ધ્યાનમાં રાખીને મતદારોને મતદાન-કેન્દ્રમાં બેસવાથી લઈને ટૉઇલેટ અને પંખા સહિતની સુવિધા પૂરી પાડી શકાય એ માટે BMCના ચાર ઍડિશનલ કમિશનરની સાથે અનેક અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.’
ADVERTISEMENT
મુંબઈમાં મતદાનની ટકાવારી વધારવા માટે આ વખતે મતદારો તેમનું મતદાન-કેન્દ્ર અને બૂથની માહિતી મેળવી શકે એ માટે ‘નો યૉર પોલિંગ-સ્ટેશન’ સહિતની અનેક જનજાગૃતિ ઝુંબેશ કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં બૂથ-લેવલના ઑફિસરોએ લોકોના ઘરે જઈને તેમના મતદાન-કેન્દ્રમાં ફેરફાર કરવામાં આવ્યો હોય તો એની માહિતી આપી હતી.