ગ્રાન્ટ રોડના જે બિલ્ડિંગનો સ્લૅબ પડ્યો હતો ત્યાંથી ગઈ કાલે સવારે લટકી રહેલો દરવાજો પણ પડી ગયો : BMCએ આખું બિલ્ડિંગ ડિમોલિશ કરવાનો આદેશ આપ્યા બાદ રુબિન્નિસા બિલ્ડિંગના ભાડૂતોએ ઘર ખાલી કરવાની કરી શરૂઆત
ફાઇલ તસવીર
ગ્રાન્ટ રોડમાં સ્ટેશન સામે સ્લેટર રોડ પર આવેલા રુબિન્નિસા મંઝિલ બિલ્ડિંગના ત્રીજા અને બીજા માળની બાલ્કનીનો ભાગ તૂટી પડ્યા બાદ ગઈ કાલે સવારે ૬ વાગ્યાની આસપાસ લટકી રહેલો એક દરવાજો પણ પડ્યો હતો. જોકે હવે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ બિલ્ડિંગ ખાલી કરાવી એનું ડિમોલિશન કરવાનો આદેશ આપ્યો છે.
બિલ્ડિંગમાં રહેતા રહેવાસીઓને ગઈ કાલે તેમનો માલસામાન ફાયર-બ્રિગેડ અને સુધરાઈના કર્મચારીઓની દેખરેખ હેઠળ કાઢવાની પરવાનગી આપવામાં આવી રહી હતી. બિલ્ડિંગના માલિક-કમ-ડેવલપર વિનય ત્રિપાઠીએ અત્યારે તો બાજુની લૉજમાં રહેવાસીઓના રહેવાની અને ખાવાપીવાની વ્યવસ્થા કરી છે, પણ સાથે જ રહેવાસીઓ પણ હવે આજુબાજુનાં મકાનોમાં ઘર ભાડેથી લેવાના પ્રયાસ કરી રહ્યા છે.
ADVERTISEMENT
આમ પણ આ બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં તો જવાનું જ હતું. ૧૬ વર્ષ પહેલાં એની પ્રપોઝલ મંજૂર કરવામાં આવી હતી. મકાનમાલિક વિનય ત્રિપાઠી જ એ ડેવલપ કરી રહ્યો હતો. એ માટે તેણે નવું બુકિંગ પણ લીધું હતું. જોકે પછી કોર્ટ કેસ થયો અને એ પ્રોજેક્ટ અટકી ગયો. હવે જ્યારે મકાન ડિમોલિશ કરી નવું બનાવવાનું જ છે ત્યારે જૂની પ્રપોઝલને ફરી ઍક્ટિવ કરી એ આગળ ધપાવવામાં આવશે એવું હાલ ચર્ચાઈ રહ્યું છે.
દરમ્યાન આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા અતુલ શાહને ભાટિયા હૉસ્પિટલમાંથી ગઈ કાલે મોડી રાતે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
આ વિસ્તારનાં નગરસેવિકા અરુંધતી દુધવાડકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સુધરાઈ બિલ્ડિંગ હવે રહેવા માટે જોખમી થઈ ગયું હોવાથી એ ખાલી કરાવી રહી છે. હવે એના રીડેવલપમેન્ટ સંદર્ભે આજે રહેવાસીઓ અને મકાનમાલિક વિનય ત્રિપાઠી વચ્ચે મીટિંગ હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક લોકો હાલ પોતાના સંબંધીને ત્યાં રહેવા જઈ રહ્યા છે. કેટલાક ભાડેથી ઘર શોધી રહ્યા છે.’