પહેલું સત્ર બીજી મેથી શરૂ થશે અને બીજું સત્ર ૨૩ મેથી શરૂ થશે
ફાઇલ તસવીર
મુંબઈગરાઓને સ્વિમિંગમાં રસ લેતા કરવા બીએમસી દ્વારા એના છ સ્વિમિંગ-પૂલમાં ૨૧ દિવસના કોચિંગનાં બે સત્ર યોજાવાનાં છે. પહેલું સત્ર બીજી મેથી શરૂ થશે અને બીજું સત્ર ૨૩ મેથી શરૂ થશે.
ખાસ કરીને બાળકો ઉનાળાની રજાઓમાં તરવાનું શીખે એવો આની પાછળનો ઉદ્દેશ છે. જોકે મોટા લોકો માટે પણ આ ઑફર ખુલ્લી જ છે. પંદર વર્ષ સુધીનાં બાળકો માટે આ કોર્સની ફી ૨,૦૦૦ રૂપિયા છે, જ્યારે એથી વધુ ઉંમરના લોકો માટે ૩,૦૦૦ રૂપિયા ફી રાખી છે. દિવ્યાંગો માટે ફી ૨,૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે.
ADVERTISEMENT
આ કોચિંગનો સમય બપોરે ૧૨.૩૦થી ૧.૩૦, બેથી ત્રણ અને ૩.૩૦થી ૪.૪૦ વાગ્યાનો રહેશે. બીએમસીના ચેમ્બુર, દાદર (વેસ્ટ), મલાડ (વેસ્ટ), કાંદિવલી (વેસ્ટ), દહિસર (વેસ્ટ) અને દહિસર (ઈસ્ટ)માં આવેલા સ્વિમિંગ-પૂલમાં આ કોચિંગ આપવામાં આવશે. ૨૫ એપ્રિલે સવારે ૧૧ વાગ્યાથી આ માટે રજિસ્ટ્રેશન ઓપન થવાનું છે. https://swimmingpool.mcgm.gov.in લિંક પર રજિસ્ટ્રેશન કરી શકાશે. જોકે એ માટે કેટલીક શરતો રાખવામાં આવી છે. જેમ કે તમે કોઈ પણ જાતના ચામડીના રોગ ધરાવતા નથી એ માટેનું મેડિકલ સર્ટિફિકેટ પણ અટૅચ કરવાનું રહેશે. ઇચ્છુક લોકોએ આ અને અન્ય શરતો માટે આગોતરી માહિતી મેળવી લેવી.