મુંબઈ સાફ રહે એ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના વૉર્ડ લેવલ પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. હવે એ દંડની રકમમાં વધારો કરવાનું BMC વિચારી રહી છે. આ માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
બીએમસી હેડક્વાર્ટર્સ
મુંબઈ સાફ રહે એ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના વૉર્ડ લેવલ પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. હવે એ દંડની રકમમાં વધારો કરવાનું BMC વિચારી રહી છે. આ માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એમાં રોડ પર થૂંકનારા પાસેથી ૨૫૦ રૂપિયા અને ફુટપાથ કે બગીચામાં કચરો નાખનાર પાસેથી ૫૦૦ રૂપિયા વસૂલ કરવા એવી રજૂઆત કરવામાં આવી છે.
BMCએ આ માટેનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે અને એ માટે ગઈ કાલથી મુંબઈગરાનાં સલાહ-સૂચનો અને વાંધા-વચકા મગાવવામાં આવ્યાં છે. એ સિવાય આ ડ્રાફ્ટમાં સૉલિડ વેસ્ટ કચરાના નિકાલ સંદર્ભે પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. કેટલીક નવી બાબતો એમાં ઉમેરવામાં આવી છે જેમાં ભીના અને સૂકા કચરાને છૂટો પાડવાના અને રસ્તા પર અસ્વચ્છતા ફેલાવવાના દંડની રકમમાં વધારો કરવાનો પ્રસ્તાવ છે.
આ સિવાય રોજનો ૧૦૦ કિલો કરતાં વધુ ભીનો કચરો થતો હોય તો ૨૦૦૦ ચોરસમીટર કરતાં વધુ એરિયા ધરાવતી સોસાયટીઓ, ઑફિસો, સરકારી ઑફિસો અને હોટેલોએ એમના કમ્પાઉન્ડમાં જ કચરાનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવી ફરજિયાત છે. જે લોકો આ આદેશનો અમલ નથી કરી રહ્યા તેમની પાસેથી અત્યારે ૫૦૦ રૂપિયા દંડ લેવામાં આવે છે જે હવે વધારીને ૧૦૦૦ રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે.
મકાનનો કાટમાળ નિર્ધારિત સ્થળે ન ઠાલવીને ગમે ત્યાં ઠાલવી દેનારા લોકો પાસેથી ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. મુંબઈગરાનાં સૂચનો અને વાંધા-વચકા મળ્યા બાદ તમામ પ્રોસીજર ફૉલો કરીને એમાં ફેરફાર કરવામાં આવશે.

