સવારે ૭ વાગ્યાથી રાતે ૧૨ વાગ્યા સુધી ખુલ્લા રહેનારા આ કોસ્ટલ રોડના વરલી, પ્રભાદેવી, લોઅર પરેલ અને લોટસ જંક્શનના ઇન્ટરચેન્જિસ પણ ચાલુ કરવામાં આવ્યા છે જેને કારણે દક્ષિણ મુંબઈની ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે
બાંદરાથી મરીન ડ્રાઇવ પહોંચો માત્ર ૧૦ મિનિટમાં (તસવીર : રાણે આશિષ)
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા બાંધવામાં આવેલા બાંદરાથી મરીન ડ્રાઇવ સુધીના કોસ્ટલ રોડના નૉર્થ એટલે કે મરીન ડ્રાઇવથી બાંદરા તરફના રસ્તાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિતના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં રવિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રસ્તો જાહેર જનતા માટે ખુલ્લો મુકાવાની સાથે જ ગઈ કાલથી એક પણ સિગ્નલ વગરનો સંપૂર્ણ કોસ્ટલ રોડ શરૂ થઈ ગયો છે. આથી માત્ર ૧૦ જ મિનિટમાં વાયા બાંદરા-વરલી સી-લિન્ક બાંદરાથી મરીન ડ્રાઇવ તેમ જ મરીન ડ્રાઇવથી બાંદરા પહોંચી શકાશે. સવારે ૭ વાગ્યાથી રાતે ૧૨ વાગ્યા સુધી ખુલ્લા રહેનારા આ કોસ્ટલ રોડના વરલી, પ્રભાદેવી, લોઅર પરેલ અને લોટસ જંક્શનના ઇન્ટરચેન્જિસ પણ ચાલુ કરવામાં આવ્યા છે જેને કારણે દક્ષિણ મુંબઈની ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે. કોસ્ટલ રોડને વરલીથી બાંદરા સી-લિન્કને નૉર્થ ચૅનલ બ્રિજથી જોડવામાં આવ્યો છે, જેના પર ગઈ કાલે વાહનવ્યવહાર શરૂ થઈ ગયો હતો.

