હવે બોરીવલી-ઈસ્ટ અને ભાયખલામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ શરૂ થઈ શકશે, પણ સુધરાઈએ બહાર પાડેલા નિયમોનું પાલન કરવું ફરજિયાત
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં હવામાં ધૂળનું પ્રમાણ વધી જવાને લીધે ઍર-ક્વૉલિટી ઇન્ડેક્સ બગડી રહ્યો હોવાથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ગયા અઠવાડિયે તાકીદના ધોરેણે બોરીવલી-ઈસ્ટ અને ભાયખલામાં બાંધકામ કરવા પર મૂકેલો પ્રતિબંધ હવે દૂર કરી દેવામાં આવ્યો છે. આમ છતાં કન્સ્ટ્રક્શન સાઇટ પર પૉલ્યુશનને લગતા નિયમોનું યોગ્ય પાલન થતું રહે એ માટે BMCના ઑફિસરો સાઇટ-વિઝિટ કરતા રહેશે અને એના પર બારીકાઈથી નજર રાખશે.
બોરીવલી-ઈસ્ટ અને BMCનો E-વૉર્ડ જેની હેઠળ ભાયખલા, માઝગાવ અને મુંબઈ સેન્ટ્રલ આવરી લેવાય છે ત્યાં સતત ઘણા દિવસો સુધી ઍર-ક્વૉલિટી ઇન્ડકેસ ૨૦૦ જેટલો આવતાં ત્રીજી ડિસેમ્બરે ત્યાં કન્સ્ટ્રક્શનના દરેક કામ પર રોક લગાવી દેવાઈ હતી. એ સિવાય હાલમાં જ મુંબઈમાં ચાલી રહેલી ૮૦૦ કન્સ્ટ્રક્શન સાઇટને પણ નોટિસ મોકલાવી ધૂળ ઊડતી રોકવાનાં પગલાં લેવા જણાવ્યું હતું. જોકે એ પછી ઍર-ક્વૉલિટીમાં થોડા સુધારો નોંધાતાં અને બિલ્ડરો દ્વારા BMCને રજૂઆત કરવામાં આવતાં BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ કહ્યું કે બોરીવલી અને ભાયખલામાં કન્સ્ટ્રક્શનનાં જે કામ ચાલી રહ્યાં હતાં એના પર મૂકવામાં આવેલો બૅન પાછો ખેંચી લેવાયો છે, એ સાઇટ પર કન્સ્ટ્રક્શનનું કામ કરી શકાશે; પણ ડસ્ટ મિટિગેશન એટલે કે ધૂળ ઓછી ઊડે એ માટેના નિયમોનું પાલન કરવાનું રહેશે. બન્ને વૉર્ડમાં ઍર-ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI)માં ઘટાડો થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
જો નિયમ નહીં પાળો તો સ્ટૉપ-વર્ક નોટિસ અથવા FIR પણ થઈ શકે
BMCના એક ઑફિસરે આ બાબતે કહ્યું હતું કે ‘પ્રદૂષણ ઘટાડવા માટે અમે ૨૮ મુદ્દાની ગાઇડલાઇન બનાવી છે. જો કોઈ સાઇટ પર એ ગાઇડલાઇન ફૉલો નહીં કરાતી હોય તો અમે તેમને નોટિસ મોકલાવીશું. જો એ પછી પણ નિયમોનો ભંગ થતો હશે તો અમે તેમની સામે કાર્યવાહી કરીશું, જેમાં સ્ટૉપ-વર્કની નોટિસ આપવી કે પછી તેમની સામે મહારાષ્ટ્ર રીજનલ ઍન્ડ ટાઉન પ્લાનિંગ (MRTP) ઍક્ટ હેઠળ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવાનો પણ સમાવેશ થઈ શકે. હાલ મુંબઈમાં ૨૫૦૦ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે.’
BMCની ગાઇડલાઇનમાં કેવાં પગલાંનો સમાવેશ છે?
BMCએ ઇશ્યુ કરેલી ગાઇડલાઇન્સમાં જે પગલાં લેવાનાં કહેવાયાં છે એમાં કન્સ્ટ્રક્શન સાઇટને ચારેબાજુથી પચીસ ફુટ ઊંચે સુધી ગ્રીન કપડાથી કે પછી તાડપત્રીથી કવર કરવાનું કહેવાયું છે જેથી ધૂળ ઊડે નહીં. એ સિવાય પાણીનો છંટકાવ કરતાં રહેવું, કન્સ્ટ્રક્શન મટીરિયલ જેમ કે રેતી, સિમેન્ટ, ઈંટ, પથ્થર વગેરનું સાઇન્ટિફિક ટ્રાન્સપોર્ટેશન કરવું, ઍર-ક્વૉલિટી ઇન્ડેક્સ મશીન બેસાડી એની નોંધ કરતાં રહેવી, વાહનો સાઇટ પરથી બહાર જાય ત્યારે એનાં ટાયર ધોવાની વ્યવસ્થા કરવી ફરજિયાત છે.