મુંબઈ, પુણે, અમદાવાદ અને ઉત્તર પ્રદેશમાં સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનો દાવો કિરીટ સોમૈયાએ કર્યો
પ્રતીકાત્મક તસવીર
કોવિડના સમયમાં કોવિડ હૉસ્પિટલ, ઑક્સિજન પ્લાન્ટ અને રાણીબાગમાં પેન્ગ્વિન માટે ઑક્સિજન પૂરો પાડવા સહિત મુંબઈ બીએમસીના ૧૭ કૉન્ટ્રૅક્ટ મેળવનારી કંપનીની મુંબઈ, પુણે, અમદાવાદ, દિલ્હી અને ઉત્તર પ્રદેશની ઑફિસમાં ઇન્કમ ટૅક્સ વિભાગે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હોવાનો દાવો બીજેપીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ ગઈ કાલે કર્યો હતો.
કિરીટ સોમૈયાએ વિડિયોના માધ્યમથી પત્રકારોને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે ‘મુંબઈ બીએમસી અને રાજસ્થાન સરકારે જે કંપનીને બ્લૅક લિસ્ટ કરી હતી એને ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેએ એક-બે નહીં પણ ૧૭ કૉન્ટ્રૅક્ટ અપાવ્યા હતા. આ કંપનીના માલિક કચ્છી છે. ઑક્સિજન પૂરો પાડવા માટે આ કંપનીને ૧૩૮ કરોડ રૂપિયા બીએમસીએ આપ્યા હતા, પરંતુ કંપનીએ માત્ર ૩૮ કરોડ રૂપિયાનો ઑક્સિજન અને પ્લાન્ટ પૂરા પાડ્યા હોવાનું જણાઈ આવ્યું છે. કેટલાંક અઠવાડિયાં પહેલાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે આમાંની કેટલીક કંપનીઓ પર દરોડો પાડ્યો હતો અને આજે ઇન્કમ ટૅક્સ વિભાગે સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે.’
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે કોવિડના સમયમાં બીએમસી દ્વારા સત્તાધારી પક્ષના નિર્દેશથી અનેક બ્લૅકલિસ્ટેડ કંપનીઓને કામ આપીને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ કિરીટ સોમૈયાએ કર્યો છે. ગરીબોને ખીચડી વિતરણ કરવામાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદ તેમણે નોંધાવતાં ઉદ્ધવ ઠાકરે જૂથના સંજય રાઉતના પાર્ટનર સુજિત પાટકર સહિતના લોકોની આ મામલામાં ધરપકડ પણ કરવામાં આવી છે.