બીએમસી નિતનવા સ્વિમિંગ-પૂલ ખોલી રહી છે, પણ ૨૦૧૮થી બંધ ઘાટકોપરના પૂલ સામે જોતી પણ નથી : એક સમયે સિનિયર સિટિઝનોનું મીટિંગ પૉઇન્ટ આ પૂલ ફરી શરૂ થવાની તમામ આશા સિનિયર સિટિઝનો ગુમાવી ચૂક્યા છે
ઘાટકોપરનો સ્વિમિંગ-પૂલ અને એની તૂટેલી ટાઇલ્સ. રાજેશ ગુપ્તા
મુંબઈ : બીએમસીના અધિકારીઓએ ઘાટકોપરના લાયન્સ મ્યુનિસિપલ સ્વિમિંગ-પૂલને રિનોવેશન અને લીકેજને ઠીક કરવા બંધ કરી દીધો હતો. જોકે થયું છે એવું કે એની સ્થિતિ વધુ બગડી છે અને ૧૯૭૦ના દાયકાથી સ્વિમિંગ-પૂલના મેમ્બર એવા વડીલો અને યુવાનોએ ત્યાં ફરી જવાની અપેક્ષા ગુમાવી દીધી છે. અટકળો લગાવાઈ રહી છે કે બીએમસી અહીં છ માળનું બિલ્ડિંગ બનાવશે જેના ટૉપ ફ્લોર પર સ્વિમિંગ-પૂલ હશે.
એક વૃદ્ધ મેમ્બરે જણાવ્યું હતું કે ૧૯૭૦ના દાયકામાં આ સ્વિમિંગ-પૂલ શરૂ થયો હતો અને હજાર મેમ્બર જોડાયા હતા. ઘાટકોપરના ૫૧ વર્ષના વેપારી હિંમત ગોરીએ જણાવ્યું હતું કે ‘૨૦૧૮માં એ બંધ થયો ત્યાર પછી સભ્યોએ ચેમ્બુર સુધી જવું પડતું હતું. ૭૫ વર્ષના એક સભ્ય પાર્કસાઇટથી ચેમ્બુર સુધી સાઇકલ પર જાય છે.’
સિનિયર સિટિઝન મેમ્બરોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘એ સમયે સુધરાઈના અધિકારીઓએ સુવિધા બંધ કરવા માટે રિનોવેશન અને લીકેજ જેવાં વિવિધ કારણો આપ્યાં હતાં. પાંચ વર્ષ પછી સ્વિમિંગ-પૂલ વધુ ખરાબ થઈ ચૂક્યો છે.’
‘મિડ-ડે’ની ટીમે ઘાટકોપરના એ સ્વિમિંગ-પૂલની મુલાકાત લીધી ત્યારે કાટ લાગેલાં મોંઘાં મશીનો, ઊખડી ગયેલી ટાઇલ્સ અને કાટ ખાયેલા ધાતુના પાર્ટ્સ જોયાં હતાં. મધ્યમાં આવેલા ફુવારો શેવાળથી ઢંકાયેલો છે. સ્વિમિંગ-પૂલ બંધ થયો એનાં બે વર્ષ પહેલાં સુધરાઈએ ઓઝોન વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના માટે ૨.૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
બીએમસીનાં સૂત્રોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બીએમસીના અધિકારીઓ નવી સુવિધાઓ ખોલવામાં વ્યસ્ત છે, કારણ કે તેમણે આવક દર્શાવવાની હોય છે. તેઓ શા માટે જૂની સુવિધાઓ ફરીથી ખોલવા પર ધ્યાન કેન્દ્રિત કરે? બીએમસીએ દહિસર અને મલાડમાં એક-એક સ્વિમિંગ-પૂલ (એક મહિના પહેલાં) ખોલ્યા હતા અને બીજાનું ટૂંક સમયમાં વડાલામાં ઉદ્ઘાટન કરવામાં આવશે.’
બે નવા ખોલવામાં આવેલા સ્વિમિંગ-પૂલ પણ સ્વિમર્સને સલામતીની બાંયધરી આપતા નથી, જેનો રિપોર્ટ ‘મિડ-ડે’એ ગયા મહિને પબ્લિશ કર્યો હતો.
૭૮ વર્ષના નરેશ મહેતાએ કહ્યું હતું કે ‘આ સ્વિમિંગ-પૂલ ઘાટકોપરના સિનિયર સિટિઝનો માટે મીટિંગ પૉઇન્ટ હતો, પરંતુ બીએમસીએ એ બંધ કરી દીધો. હવે અમારો અડધો દિવસ ચેમ્બુરના સ્વિમિંગ-પૂલ સુધી પહોંચવાના ટ્રાફિકમાં વેડફાય છે. હું નિવૃત્ત છું એટલે મને મોડું થાય તો પરવડે છે, પરંતુ ઑફિસ જનારાઓ માટે એ મુશ્કેલ છે. સિનિયર સરકારી અધિકારીઓ એટલા નિષ્ઠુર છે કે તેઓ સિનિયર સિટિઝનો વિશે વિચારતા નથી. ઘાટકોપરના સ્વિમિંગ-પૂલમાં જતા ૯૦ ટકાથી વધુ વરિષ્ઠ સભ્યોએ હવે તરવાનું બંધ કરી દીધું છે. આ અધિકારીઓ અને સરકાર મામલાની ગંભીરતા સમજે છે? હું મારી ફરિયાદ સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કિશોર ગાંધીને મળવાનું આયોજન કરી રહ્યો છું.’
અન્ય એક સભ્ય દીપક નિચિતે કહ્યું હતું કે ‘હું એક પ્રોફેશનલ સ્વિમર અને ક્વૉલિફાઇડ હાફ આયર્નમૅન છું. મારે દરરોજ પ્રૅક્ટિસ કરવાની જરૂર રહે છે. બીએમસીએ આ સ્વિમિંગ-પૂલ બંધ કરી દીધો હોવાથી મારે પ્રૅક્ટિસ શરૂ કરતાં પહેલાં ટ્રાફિક-જૅમ સામે ઝઝૂમવું પડે છે. બીએમસીએ ઘાટકોપરનો સ્વિમિંગ-પૂલ શરૂ કરવો જોઈએ.’
આ વિસ્તારનાં સ્થાનિક સૂત્રોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અહીં છ માળનું બિલ્ડિંગ ઊભું કરવા માટે વાતચીત ચાલી રહી છે. ચર્ચા મુજબ બીએમસી દ્વારા છ માળના સંકુલના ઉપરના માળે સ્વિમિંગ-પૂલ બનાવવાની યોજના છે. જોકે રહેવાસીઓ ગ્રાઉન્ડ ફ્લોર પર સ્વિમિંગ-પૂલની સુવિધા ઇચ્છે છે.’
એક સૂત્રે કહ્યું હતું કે ‘મેં અમારા સિનિયર્સને કહ્યું હતું કે સભ્યોને અહીં ઓપન જિમ જોઈએ છે, કારણ કે ઘાટકોપરના એ પરિસરનો મોટો ભાગ બિનઉપયોગી રહે છે. જોકે તેમણે અમારી વાત સાંભળી નહીં.’
બીએમસીના મુખ્ય પ્રવક્તા તાનાજી કાંબળેનો ૨૮ એપ્રિલથી સંપર્ક કરવાનો ‘મિડ-ડે’ પ્રયત્ન કરી રહ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિભાગે હજી સુધી જવાબ આપ્યો નથી.