BMCએ ગેરકાયદે ફેરિયાઓ અને અતિક્રમણો સામે કરી વ્યાપક કાર્યવાહી
ગેરકાયદે ફેરિયાઓ અને ફુટપાથ પરનાં અતિક્રમણો દૂર કરવામાં આવતાં દાદરના રસ્તા ગઈ કાલે એકદમ ખુલ્લા જોવા મળ્યા હતા.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મુંબઈમાં શરૂ કરેલી ફેરિયામુક્ત પરિસર ઝુંબેશમાં ગઈ કાલે દાદર રેલવે-સ્ટેશનની આસપાસના ગેરકાયદે ફેરિયાઓ સામે વ્યાપક કાર્યવાહી કરી હતી. BMCની વિવિધ ટીમોએ એકસાથે સવારથી મોડી સાંજ સુધી કાર્યવાહી કરતાં રેલવે-સ્ટેશનથી લઈને આસપાસનો વિસ્તાર ફેરિયાઓ અને ફુટપાથ પર કરવામાં આવેલાં અતિક્રમણોથી મુક્ત થઈ ગયો હતો.
BMCના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર ડૉ. અશ્વિની જોશીના માર્ગદર્શનમાં ગઈ કાલે દાદર-વેસ્ટમાં રેલવે-સ્ટેશન અને આસપાસમાં બેસતા ગેરકાયદે ફેરિયાઓ સામે કાર્યવાહી કરવાની સાથે અહીં ઊભા રહેલાં બેવારસ વાહનો હટાવવામાં આવ્યાં હતાં એટલું જ નહીં, ફુટપાથ પર કરવામાં આવેલાં અતિક્રમણો દૂર કરવામાં આવ્યાં હતાં. વ્યાપક કાર્યવાહીથી દાદરમાં જ્યાં ચાલી પણ ન શકાય એવી રીતે અસંખ્ય ફેરિયાઓ બેસે છે એ દૂર થઈ જતાં રસ્તા એકદમ ખુલ્લા થઈ ગયેલા જોવા મળ્યા હતા. આ કાર્યવાહી સેનાપતિ બાપટ માર્ગ, રાનડે માર્ગ, દસિલ્વા માર્ગ પર કરવામાં આવી હતી.