મુંબઈમાં વૉર્ડની સંખ્યા વધતાં હવે એની આસપાસના વૉર્ડની પુનર્રચનામાં ખાસ્સો સમય નીકળી જશે અને સરવાળે ચૂંટણીઓ પાછળ ઠેલાશે : બેથી ત્રણ મહિના ચૂંટણી ખેંચાઈ જવાની શક્યતા
બીએમસીની ચૂંટણીઓ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાવાની શક્યતા હતી
મુંબઈમાં બીજા નવ વૉર્ડ ઉમેરવાના સરકારના નિર્ણયથી ફેબ્રુઆરી, ૨૦૨૨માં યોજાનારી બીએમસીની ચૂંટણીઓ પાછી ઠેલાઈ શકે છે. કૉર્પોરેટરોના મતે, શહેરમાં વધુ વૉર્ડ ઉમેરવાથી નવા વૉર્ડની આસપાસના વૉર્ડનું પણ સીમાંકન થશે અને પુનર્રચનાની કામગીરી નવેસરથી શરૂ કરવી પડશે. આ પ્રક્રિયામાં બેથી ત્રણ મહિનાનો સમય લાગી જશે.
૨૨૭ સભ્યો ધરાવતા હાલના બીએમસી ગૃહનો કાર્યકાળ આઠમી માર્ચે પૂરો થાય છે. બીએમસીની ચૂંટણીઓ સામાન્યપણે ફેબ્રુઆરીમાં યોજાતી હોય છે. નવ નવા વૉર્ડના ઉમેરા સાથે ગૃહની સભ્ય સંખ્યા ૨૩૬ થશે.
સરકારી ઠરાવ જારી થયા બાદ સીમાંકનની આખી પ્રક્રિયા ફરીથી શરૂ કરવી પડશે, કારણ કે જે-તે વિસ્તારમાં એક વૉર્ડ વધવાથી આસપાસના વૉર્ડનું પુનઃ આલેખન કરવું પડશે, એમાં બે મહિના જેટલો સમય લાગશે. જનતાનાં સૂચનો અને વાંધાઓ તથા વૉર્ડના આરક્ષણ પાછળ વધુ એક મહિનો લાગશે, એમ બીજેપીના એક કૉર્પોરેટરે જણાવ્યું હતું.
વૉર્ડ્ઝની સરેરાશ વસ્તી ૫૦,૦૦૦થી ૫૫,૦૦૦ હોય છે, પણ કેટલાક વૉર્ડ્સ ૬૫,૦૦૦થી વધુ વસ્તી ધરાવે છે. સંતુલિત વિકાસ માટે વૉર્ડનું કદ સમાન રહે, જે જરૂરી છે. પ્રક્રિયામાં વધુ સમય લાગવાની શક્યતા અંગે અમે કશું જણાવી શકીએ એમ નથી, એમ કૉન્ગ્રેસના ગ્રુપ લીડર રવિ રાજાએ જણાવ્યું હતું.
વૉર્ડ શા માટે અને કેવી રીતે વધારવામાં આવે છે?
વૉર્ડની સીમા વસ્તીગણતરી અને વસ્તીવિભાજનના આધારે દર ૧૦ વર્ષે એક વાર બદલાય છે. પ્રત્યેક વૉર્ડદીઠ ૫૦,૦૦૦થી ૫૫,૦૦૦ની સરેરાશ વસ્તી અનુસાર ૨૦૧૧ની વસ્તીગણતરીના આધારે ૨૦૧૭માં બીએમસીની છેલ્લી ચૂંટણીઓ અગાઉ વૉર્ડનું પુનઃ સીમાંકન કરાયું હતું. પુનઃ આલેખન બાદ શહેરના દક્ષિણ ભાગમાં વૉર્ડ ઘટ્યા હતા અને પશ્ચિમ અને પૂર્વ સબર્બમાં વૉર્ડ્સ વધ્યા હતા.
૨૦૦૧ની તુલનામાં ૨૦૧૧માં વધેલી વસ્તીના આધારે રાજ્ય કૅબિનેટે વધુ નવ વૉર્ડ ઉમેરવાનો નિર્ણય લીધો હતો. વસ્તી ૩.૮૭ ટકા વધી હતી. આથી, શહેરના ૨૨૭ વૉર્ડમાં ૮.૭૮ (રાઉન્ડ ફિગર ૯) વૉર્ડ ઉમેરી શકાય છે.
છેલ્લે ૨૦૧૧ની વસ્તીગણતરીના આધારે વૉર્ડની પુનર્રચના કરાઈ ત્યારે એ પ્રક્રિયા સાતમી સપ્ટેમ્બરે શરૂ થઈ હતી, પણ હવે બે મહિના કરતાં પણ વધુ મોડું થઈ ચૂક્યું છે. ૨૦૧૭ની ચૂંટણીમાં વસ્તીના આધારે વૉર્ડની પુનર્રચના થઈ ચૂકી હતી. આ વખતે અન્ય વૉર્ડની પુનર્રચના કરવા માટે વૉર્ડ વધારવાનો બદઇરાદો રહેલો છે. આથી અમે એના વિરોધમાં કાનૂની લડત આપવા વિચારી રહ્યા છીએ, એમ બીજેપીના પ્રવક્તા ભાલચંદ્ર શિરસાટે જણાવ્યું હતું.