બાંદરા ઈસ્ટમાં શાખા સહિત સ્ટેશન પાસે આવેલાં સ્ટ્રક્ચર્સ ગઈ કાલે ભારે પોલીસ-બંદોબસ્ત વચ્ચે તોડી પાડ્યાં
ગઈ કાલે બીએમસીએ હાજી અલીમ ખાનની ઑફિસ તોડી પાડી હતી (તસવીર : શાદાબ ખાન)
ટ્રાફિક ડિપાર્ટમેન્ટે ફરિયાદ કરતાં બાંદરા (ઈસ્ટ)માં સ્ટેશન પાસે આવેલાં સ્ટ્રક્ચર્સ બીએમસીએ ગઈ કાલે ભારે પોલીસ-બંદોબસ્ત વચ્ચે તોડી પાડ્યાં હતાં. જોકે સ્થાનિક લોકોએ અને શિવસસૈનિકો (ઉદ્ધવ ઠાકરે જૂથ)એ એનો વિરોધ કર્યો હતો. આ તોડકામ કાર્યવાહી અંતર્ગત શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ની શાખા પણ તોડી પાડવામાં આવતાં શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવક હાજી મોહમ્મદ ખાને એનો જબરદસ્ત વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ‘એ શાખા ત્યાં છેલ્લાં ૨૦ વર્ષથી હતી. એને નોટિસ આપ્યા વગર કઈ રીતે તોડી શકાય?’
હાજી મોહમ્મદ ખાને આક્ષેપ કર્યો હતો કે મેં શિંદે જૂથમાં જોડાવાનો ઇનકાર કર્યો હોવાથી એનો ખાર રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે સામા પક્ષે બીએમસીના ઑફિસરે કહ્યું હતું કે અમે કાયદા મુજબ નોટિસ મોકલી હતી અને ત્યાર બાદ જ કાર્યવાહી થઈ છે.
ADVERTISEMENT
હાજી મોહમ્મદ ખાને કહ્યું હતું કે બીએમસીના ઑફિસરોએ પહેલાં એમ કહ્યું હતું કે અમે રિક્ષા-સ્ટૅન્ડ તોડવાના છીએ, પણ ત્યાર બાદ તેમણે શાખા પણ તોડી પાડી હતી.
બીએમસીના એક ઑફિસરે કહ્યું હતું કે ‘અમે તેમને નોટિસ આપી હતી અને શાખાનું ગેરકાયદે કરાયેલું બાંધકામ તેમણે જ તોડી પાડવા જણાવ્યું હતું. એ શાખા ગેરકાયદે હતી.’
અન્ય એક ઑફિસરે કહ્યું હતું કે ‘અમે ફક્ત શાખા તોડી છે એવું નથી. ટ્રાફિક ડિપાર્ટમેન્ટે કહેવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી. સ્ટેશન પાસે આવેલાં કેટલાંક સ્ટ્રક્ચર્સને કારણે ટ્રાફિકની અવરજવરમાં અડચણ થતી હતી એટલે અમે રિક્ષા-સ્ટૅન્ડ, લાઇબ્રેરી અને અન્ય કેટલાંક સ્ટ્રક્ચર્સ પણ તોડી પાડ્યાં હતાં.’