૧૦૦ કરોડના કથિત કોવિડ સેન્ટર કૌભાંડમાં ઈડીની ઑફિસમાં હાજર થયેલા મુંબઈના કમિશનર ઇકબાલ સિંહ ચહલે કહ્યું
કોવિડ સેન્ટરોના કૉન્ટ્રૅક્ટ આપવામાં ગોટાળો કરવાની ફરિયાદને પગલે ઈડીની ઑફિસમાં ઇકબાલ સિંહ ચહલની ગઈ કાલે પૂછપરછ કરવામાં આવી હતી (તસવીર : શાદાબ ખાન)
કોરોનાકાળમાં મુંબઈમાં ઊભાં કરવામાં આવેલાં કોવિડ સેન્ટરોના કૉન્ટ્રૅક્ટ આપવામાં ૧૦૦ કરોડ રૂપિયાનો ગોટાળો કરવાની ફરિયાદને પગલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ ગઈ કાલે મુંબઈ બીએમસીના કમિશનર અને ઍડ્મિનિસ્ટ્રેટર ઇકબાલ સિંહ ચહલની ચારેક કલાક પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ ઈડીની ઑફિસમાંથી બહાર આવેલા કમિશનરે કોરોના મહામારીને પહોંચી વળવા માટે લેવામાં આવેલાં પગલાં વખતે રાજ્ય સરકારની મદદથી જમ્બો કોવિડ સેન્ટરો ઊભાં કરવા માટે કેટલીક કંપનીઓને કૉન્ટ્રૅક્ટ અપાયા હતા અને આ કંપનીઓએ બોગસ ડૉક્યુમેન્ટ્સ આપ્યા હોવાની અમને જાણ નહોતી અને જાણ થયા બાદ પોલીસને આ મામલે તપાસ કરવાનું કહ્યું હતું એમ ઈડીની પૂછપરછમાં જણાવ્યું હતું. જોકે સવાલ એ છે કે બીએમસીએ કેમ કંપનીના રેકૉર્ડ તપાસ્યા વિના કોવિડ સેન્ટર ઊભાં કરવાનો કૉન્ટ્રૅક્ટ આપ્યો?
ઈડીએ મુંબઈ બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલને કોવિડ સેન્ટર સંબંધી તમામ ડૉક્યુમેન્ટ્સ સાથે ૧૧ વાગ્યે ઈડીની ઑફિસમાં હાજર થવાના સમન્સ શુક્રવારે મોકલ્યા હતા એટલે તેઓ ગઈ કાલે ઈડીની ઑફિસમાં પહોંચ્યા હતા. ચાર કલાક બાદ કમિશનરની ઑફિસમાંથી બહાર નીકળ્યા હતા.
ADVERTISEMENT
ઇકબાલ સિંહ ચહલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘કોવિડ મહામારી ફાટી નીકળ્યા બાદ મુંબઈમાં ૩૭૦૦ બેડ જ હતા. મુંબઈની વસતિ ૧.૪૦ કરોડની છે. વસતિની સરખામણીએ બેડની સંખ્યા ઘણી ઓછી હતી. કોવિડના હજારો નહીં લાખો દરદીઓ આવવાનો અંદાજ હતો, જે સાચો ઠર્યો હતો. મુંબઈમાં ૧૧ લાખ લોકોને કોરોનાનું સંક્રમણ થયું હતું. આથી દરદીઓને સારવાર આપવા માટે રાજ્ય સરકારે ઓપન ગ્રાઉન્ડમાં જમ્બો કોવિડ સેન્ટર ઊભાં કરવાનો નિર્ણય લીધો હતો. બીએમસી પ્રશાસને રાજ્ય સરકારને નિવેદન કર્યું હતું કે કોરોના સામેની લડતમાં બીએમસી વ્યસ્ત છે. આથી દહિસર, બીકેસી, સાયન, મલાડ, કાંજુરમાર્ગ વગેરે સ્થળોએ કોવિડ સેન્ટર સરકાર અને બીએમસી સિવાયની સંસ્થાઓએ ઊભાં કર્યાં હતાં. બીકેસીમાં એમએમઆરડીએ અને કાંજુરમાર્ગ સહિતનાં કેટલાંક કોવિડ સેન્ટરો સિડકોએ બાંધ્યાં હતાં. મુંબઈ મેટ્રો રેલે પણ કોવિડ સેન્ટર ઊભાં કરેલાં. આથી કોવિડ સેન્ટર પાછળ બીએમસીએ કોઈ ખર્ચ નહોતો કરવો પડ્યો. તબક્કાવાર જમ્બો કોવિડ સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં હતાં. એમાંથી એક કોવિડ હૉસ્પિટલ સંદર્ભે ગયા વર્ષે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી એની પૂછપરછ આજે ઈડીની ઑફિસમાં કરવામાં આવી હતી.’
કમિશનરે આગળ કહ્યું હતું કે ‘જૂન ૨૦૨૦માં કોવિડની શરૂઆત થયા બાદ જો ઉપાય યોજના ન કરી હોત તો પરિસ્થિતિ નિયંત્રણ બહાર જવાની શક્યતા હતી. આથી રાજ્ય સરકારની સૂચના મુજબ ખુલ્લા મેદાનમાં જમ્બો સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં હતાં, જે માટે વિવિધ સ્થળે અમે જગ્યા હાથમાં લીધી હતી. બીએમસીએ આ જમ્બો કોવિડ સેન્ટરનું કામકાજ હૉસ્પિટલોને સોંપ્યું હતું. જોકે અહીં સ્ટાફની જરૂર હતી એટલે અમે ક્વોટેશન કાઢીને ચાર પાર્ટીને આઉટસોર્સિંગનું કામ સોંપ્યું હતું. આથી લાખો લોકોના જીવ બચ્યા. આ કંપનીઓનું કામ અમને ડૉક્ટરો અને કર્મચારીઓ પૂરા પાડવાનું હતું, જેનું બીએમસીએ પેમેન્ટ કર્યું હતું. જોકે આમાંથી કેટલીક કંપનીઓએ બોગસ ડૉક્યુમેટ્સ રજૂ કર્યા હોવાની જાણ થતાં અમે પોલીસમાં પત્ર લખીને તપાસ કરવાની માગણી કરી હતી. આ સંબંધે પણ ઈડીના અધિકારીઓને મેં બધી માહિતી આપી છે. આજની જેમ ભવિષ્યમાં પણ જ્યારે પૂછપરછ માટે બોલાવાશે ત્યારે હાજર થઈશ અને પૂરો સહયોગ કરીશ.’
શું છે આખો મામલો?
બીજેપીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ પોલીસમાં બે ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપ કરવામાં આવ્યો છે કે કોરોના સમયે મુંબઈમાં જમ્બો કોવિડ સેન્ટર શરૂ કરવામાં વિવિધ કંપનીઓને કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો. લાઇફલાઇન હૉસ્પિટલ મૅનેજમેન્ટ સર્વિસિસ નામની કંપનીને કોઈ પણ પ્રકારનો તબીબી અનુભવ ન હોવા છતાં તબીબી સેવા અને ઉપકરણો પૂરાં પાડવાનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં, કૉન્ટ્રૅક્ટ મેળવતી વખતે આ કંપનીએ બોગસ ડૉક્યુમેન્ટ્સ બીએમસીમાં રજૂ કરવાનો આરોપ છે. આ કંપનીઓ શિવસેનાના રાજ્સયભાના સાંસદ અને ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતના નજીકના મનાતા સુજિત પાટકર અને તેમના ભાગીદારોના નામે છે. આ કંપનીની સ્થાપના જૂન ૨૦૨૦માં કરવામાં આવી હતી અને ડૉ. હેમંત ગુપ્તા, સુજિત પાટકર, સંજય શાહ, રાજુ સાળુંખે એમાં ભાગીદાર છે. કંપનીને તબીબી સેવાનો અનુભવ ન હોવાનું ધ્યાનમાં આવતાં પુણે મહાનગરપાલિકાએ આ કંપની સાથેનો કૉન્ટ્રૅક્ટ રદ કર્યો હતો અને ૨૫ લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. આવા કૉન્ટ્રૅક્ટ આપવામાં ૧૦૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.