બગડી રહેલી ઍર ક્વૉલિટી અને મુંબઈમાં G20ના આયોજનને લઈને સુધરાઈએ લીધો નિર્ણય
G20 સમિટ દરમ્યાન ગઈ કાલે એના ડેલિગેટ્સે ગેટવે ઑફ ઇન્ડિયાની મુલાકાત લીધી હતા (તસવીર : આશિષ રાજે)
હાલ વાદળિયા વાતાવરણને કારણે મુંબઈમાં ઍર પૉલ્યુશનમાં ધૂળનો જબરદસ્ત વધારો નોંધાયો છે. હવાની ગુણવત્તાના એકમ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ)માં પણ જબરદસ્ત વધારો નોંધાયો છે અને એ દિલ્હી કરતાં પણ ખરાબ હોવાનું જણાઈ આવ્યું છે. એમાં પાછું હાલ મુંબઈમાં ૧૩થી ૧૬ ડિસેમ્બર સુધી G-20 ઇન્ટરનૅશનલ સમિટ ચાલી રહી છે અને અનેક દેશોના મહાનુભાવો અને ડેલિગેટ્સ એમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે ઍટ લીસ્ટ આ સમય દરમ્યાન મુંબઈમાં હવાની ગુણવત્તા વધુ ન કથળે એ માટે બીએમસીએ મુંબઈમાં ચાલી રહેલાં કન્સ્ટ્રક્શનનાં બધાં જ કામ પર ૧૦ દિવસનો પ્રતિબંધ મૂકી દીધો છે.
બીએમસી દ્વારા આ વિશેનો એક સર્ક્યુલર ૨૪ વૉર્ડના દરેકેદરેક અસિસ્ટન્ટ કમિશનરને મોકલવામાં આવ્યો છે અને તેમના વિસ્તારના કન્સ્ટ્રક્શનનાં બધાં જ કામ અને એના કાટમાળના નિકાલનું કામ ૧૦ દિવસ રોકી દેવા જણાવ્યું છે. એટલું જ નહીં, વરસાદના સમયમાં મોટા ભાગનાં ઇન્ફ્રાસ્ટ્રકચર અને કન્સ્ટ્રક્શનનાં કામ બંધ રહેતાં હોય છે અને દિવાળી પછી એ કામ હાથ ધરાતાં હોય છે જેના કારણે પણ વાતાવરણમાં ધૂળનું પ્રમાણ બહુ વધી જતું હોય છે. ઍર ક્વૉલિટી સુધરે અને વિદેશી મહાનુભાવોની નજરમાં મુંબઈની ઇમેજ બગડે નહીં એ માટે આ નિર્ણય લેવાયો છે. એટલું જ નહીં, જે ટ્રાફિક જંક્શનો પર વધુ ટ્રાફિક રહેતો હોય ત્યાં બહુ ધૂળ ઊડે નહીં એ માટે પાણી છાંટવાનું પણ બીએમસીએ એના સ્ટાફને જણાવ્યું છે. મુંબઈનો ઍવરેજ એક્યુઆઇ સોમવારે ૨૨૫ નોંધાયો હતો, જ્યારે ગઈ કાલે મંગળવારે બીએમસી દ્વારા પગલાં લેવાયા બાદ ઍવરેજ એક્યુઆઇ ૧૪૫ નોંધાયો હતો.