કુલ ૧૮ કિલોમીટર લાંબી મીઠી નદીનો ૬ કિલોમીટરનો ભાગ એમએમઆરડીએની પાસે છે, જ્યારે ૧૧.૮ કિલોમીટર બીએમસી હેઠળ આવે છે
ફાઇલ તસવીર
મૉન્સૂનની સીઝન આવે એટલે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા માથું ઊંચકે છે. મુંબઈ મહાનગરપાલિકાએ હવે મીઠી નદીને કારણે ભરાતા પાણીવાળા એરિયા જેવા કે સાયન, ચૂનાભઠ્ઠી, કુર્લા અને ઘાટકોપરના વિસ્તારોમાં પાણી ન ભરાય એ માટે મીઠી નદીમાં અલગ-અલગ જગ્યાએ ૨૬ ગેટ બેસાડવાનું નક્કી કર્યું છે, જેથી વરસાદના સમયે જો મીઠીનું પાણી જે વિસ્તારોમાં ફરી વળે છે ત્યાં ફરી ન વળે અને એનો નિકાલ કરી શકાય.
કુલ ૧૮ કિલોમીટર લાંબી મીઠી નદીનો ૬ કિલોમીટરનો ભાગ એમએમઆરડીએની પાસે છે, જ્યારે ૧૧.૮ કિલોમીટર બીએમસી હેઠળ આવે છે. બીએમસીએ ૪ વર્ષના સમયગાળામાં એને ૨૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સુરિક્ષત અને સુશોભિત બનાવવાનો પ્લાન કર્યો છે. એક ઑક્ટોબરથી શરૂ થનારા આ પ્રોજેક્ટને ‘મીઠી રિવર વૉટર ક્વૉલિટી ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ’ નામ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
બીએમસીનું કહેવું છે કે મીઠી નદીમાં અલગ-અલગ જગ્યાએ ગેટ બેસાડવાથી ભારે વરસાદ અને ભરતીના સમયે જે બૅક વૉટર અંદર આવી જાય છે એ નહીં આવે અને જ્યારે વરસાદમાં ડ્રેઇન વૉટરનું પાણી ભરાય ત્યારે ગેટ ખોલી દેવાથી એ પાણી પણ તરત નીકળી જશે. આમ આ પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવી શકાશે.
એ ઉપરાંત મીઠી નદીના બ્યુટિફિકેશનનો પણ પ્લાન છે, જે અંતર્ગત ૮.૮૫ કિલોમીટર લાંબા કાંઠા પર સાઇકલ ટ્રૅક અને વૉકવે બનાવવામાં આવશે. મીઠી નદીને પહોળી કરવામાં માછીમારોનાં ૧૬ જેટલાં ઘર હાલ અંતરાયરૂપ બની રહ્યાં છે. બીએમસી દ્વારા તેમને નોટિસ પણ આપવામાં આવી છે, પણ તેઓ એની સામે પડ્યા છે.