દુકાનદારો કહે છે કે એ સાઇન બોર્ડ કોઈ પણ પ્રકારની જાહેરાત નથી, જ્યારે સુધરાઈના લાઇસન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એને રસ્તા પર લગાવવામાં આવતા જાહેરાતના હોર્ડિંગ સાથે સરખાવીને લાઇસન્સ-ફી વસૂલ કરે છે.
ફાઇલ તસવીર
બીએમસી અને દુકાનદારો કોર્ટના આદેશનું પોતપોતાની રીતે અર્થઘટન કરતા હોવાથી હાલમાં પરિસ્થિતિ છે અસમંજસભરી
બુધવારે જી-સાઉથ વ્યાપારી અસોસિએશને મુંબઈના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આશિષ શેલારના માધ્યમથી મુંબઈના રીટેલરોને ઘણા લાંબા સમયથી મહાનગરપાલિકામાં અરજી કર્યા પછી પણ દુકાનના નામના બોર્ડ માટે લાઇસન્સ મળતું નથી તેમના માટે ઑનલાઇન લાઇસન્સ માટે અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ કરી હતી. જોકે દુકાનના નામના બોર્ડ માટે લાઇસન્સની જરૂર છે કે નહીં એ માટે વેપારીઓ આજે પણ અસમંજસ પરિસ્થિતિમાં છે. એમાં પણ મુખ્યત્વે જે દુકાનદારો તેમની દુકાનો પર દુકાનના નામ સાથે તેઓ જે-તે કંપનીનો માલ સ્ટૉક કરતા હોય એ કંપનીના નામ સાથે લગાવેલા સાઇન બોર્ડને જાહેરાત કહી શકાય કે નહીં અને આવા પ્રકારના સાઇન બોર્ડવાળી દુકાનોના માલિકોએ લાઇસન્સ-ફી ચૂકવવી કે નહીં એ મુદ્દો અતિ મહત્ત્વનો બની ગયો છે. આ મુદ્દે કોર્ટના આદેશનું પણ મહાનગરપાલિકા અને દુકાનદારો પોતપોતાની રીતે અર્થઘટન કરી રહ્યા છે.
ADVERTISEMENT
દુકાનદારોના મત પ્રમાણે દુકાનના નામ સાથે જે બ્રૅન્ડેડ કંપનીના માલનો તેઓ તેમની દુકાનમાં સ્ટૉક કરે છે એ સાઇન બોર્ડ કોઈ પણ પ્રકારની જાહેરાત નથી, જ્યારે મહાનગરપાલિકાના લાઇસન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ગ્લો સાઇન બોર્ડને રસ્તા પર લગાડવામાં આવતા જાહેરાતના હોર્ડિંગ સાથે સરખાવીને દુકાનદારો પાસેથી લાઇસન્સ-ફીની વસૂલી કરી રહ્યા છે. એમાં પણ કોર્ટના આદેશમાં આ બાબતની કોઈ સ્પષ્ટતા ન હોવાથી મહાનગરપાલિકા ગ્લો સાઇન બોર્ડનું અર્થઘટન કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે. મહાનગરપાલિકાના અધિકારીઓ એને જાહેરાત કહીને લાઇસન્સ-ફી વસૂલ કરવા માટે દુકાનદારોને નોટિસ આપી રહ્યા છે, જ્યારે દુકાનદારો એ જાહેરાત નથી એમ કહીને એનો વિરોધ કરી રહ્યા છે. દુકાનદારો કહે છે કે રાજ્ય સરકારના નિષ્ણાતોએ આ બાબતમાં અભ્યાસ કરીને વહેલી તકે આ મુદ્દે વેપારીઓ પર આર્થિક બોજો વધે નહીં એવો નિર્ણય લઈને વેપારીઓને ન્યાય આપવો જોઈએ.
મહારાષ્ટ્ર સરકારે જુલાઈ ૨૦૧૬માં એક કાયદો બનાવ્યો હતો કે કોઈ પણ કંપની કે વ્યક્તિ તેની જાહેરાત કરવા ઇચ્છતી હોય તો આ જાહેરાત માટે તેમણે મહાનગરપાલિકાના લાઇસન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીની પરવાનગી લેવી જરૂરી છે. એટલે કે એના માટે લાઇસન્સ-ફી ભરીને લાઇસન્સ લેવું જરૂરી છે. જોકે દુકાનદારો તેમના નામ સાથે તેમની ડીલરશિપની કંપનીનું નામ જેમ કે મોબાઇલનો બિઝનેસ કરતો દુકાનદાર તેના નામના સાઇન બોર્ડ સાથે સૅમસંગ, વિવો કે અન્ય કંપનીનું નામ લખે કે પછી કપડાંનો વેપારી તેની દુકાનના નામ સાથે રેમન્ડ, ગ્વાલિયર કે અન્ય કંપનીનો ઑથોરાઇઝ્ડ ડીલર છે કે તે આ કંપનીનો માલ તેની દુકાનમાં રાખે છે એમ સાઇન બોર્ડમાં લખે એને જાહેરાત તરીકે ઓળખાવીને મહાનગરપાલિકા એ દુકાનદાર પાસેથી લાઇસન્સ-ફી વસૂલ કરે છે અને જો દુકાનદાર ફી ન ચૂકવે તો તેના પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે.
કોર્ટના એક આદેશમાં ઍલ્યુમિનેટેડ સાઇન બોર્ડ જાહેરાત નથી એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી, પરંતુ એ આદેશમાં કંપનીનું નામ લખેલા સાઇન બોર્ડ માટે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાથી દુકાનદારો અને મહાનગરપાલિકાનો લાઇસન્સ ડિપાર્ટમેન્ટ બંને આદેશનું પોતપોતાની રીતે અર્થઘટન કરે છે. આ મતમતાંતર વચ્ચે સૌથી વધુ ખરાબ હાલત અને આર્થિક બોજો દુકાનદારો પર આવતો હોવાથી દુકાનદારો માનસિક ટેન્શનમાં રહે છે.
બુધવારે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરે લાઇસન્સ ડિપાર્ટમેન્ટ સાથે રહીને રીટેલરોને સાઇન બોર્ડ માટે ઑનલાઇન અરજી કરવાની સુવિધા આપ્યા બાદ તરત જ ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના અધ્યક્ષે આ બાબતનો વિરોધ કરતાં રીટેલ દુકાનદારોને અપીલ કરીને ‘મિડ-ડે’ કહ્યું હતું કે ‘જો તમને મહાનગરપાલિકા તરફથી મુંબઈ મહાનગરપાલિકા ઍક્ટ ૩૨૮અ સેક્શન અંતર્ગત સાઇન બોર્ડને જાહેરાત કહીને લાઇસન્સ-ફી ભરવા માટે નોટિસ આવે તો એનો વિરોધ કરવો. અનેક કોર્ટના આદેશમાં દુકાનોના નામના સાઇન બોર્ડને જાહેરાત ન કહેવાનું કહેવામાં આવ્યું છે. થોડા સમય પહેલાં એક રેસ્ટોરાંના કેસમાં કોર્ટનો આદેશ એકદમ સ્પષ્ટ છે કે ઍલ્યુમિનેટેડ નેમ બોર્ડ એ જાહેરાત નથી. આ સિવાય મહારાષ્ટ્ર સરકારનો ૧૧ જુલાઈ ૨૦૧૬નો કાયદો પણ આ મુદ્દે એકદમ સ્પષ્ટ છે. છેલ્લાં પાંચ વર્ષમાં અસોસિએશન તરફથી શહેરના મહાનગરપાલિકાના અસિસ્ટન્ટ કમિશનર, સંજોગ કાબરે - ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (સ્પેશ્યલ), લાઇસન્સ ડિપાર્ટમેન્ટ સાથે આ મુદ્દે અનેક વાર ચર્ચાવિચારણા અને સુનાવણીઓ થઈ ચૂકી છે. આથી કોઈ પણ દુકાનદારોએ નામના બોર્ડ માટે લાઇસન્સ લેવાની કોઈ જ જરૂરિયાત નથી. સ્કાય સાઇન બોર્ડ જાહેરાત છે, નામનું બોર્ડ જાહેરાત નથી. મહાનગરપાલિકા ખોટી રીતે દુકાનોના નામના બોર્ડ માટે લાઇસન્સ-ફી વસૂલ કરી રહી છે. અમારું અસોસિએશન આનો સખત વિરોધ કરે છે. અમે રીટેલ દુકાનદારોને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમારી પાસે મહાનગરપાલિકાના કોઈ અધિકારી નામના બોર્ડ માટે લાઇસન્સ ફી માટે નોટિસ મોકલે તો તમે ડરીને ફી આપવાને બદલે તરત જ અમારા અસોસિએશનનો સંપર્ક કરશો.’
આ મુદ્દામાં મહાનગરપાલિકા સાથે લડત લડવામાં ક્યાંક બકરું કાઢતાં ઊંટ ન પેસી જાય એનું ધ્યાન રાખવું પડે એમ છે એમ જણાવતાં જી-સાઉથ વ્યાપારી અસોસિએશનના અધ્યક્ષ નીલેશ સાવલાએ દુકાનદારોને આહવાન કરતાં ‘મિડ-ડે’ કહ્યું હતું કે ‘દુકાનના નામના બોર્ડ માટેના લાઇસન્સનો કાયદો ફક્ત જે દુકાનદારો તેમના નામના સાઇન બોર્ડની સાથે કોઈ કંપનીની ડીલરશિપનો ઉલ્લેખ કર્યો હશે એમના માટે છે. એના માટે જે-તે દુકાનદારે મહાનગરપાલિકાના કાયદા ૩૨૮અ પ્રમાણે લાઇસન્સ-ફી ભરીને લાઇસન્સ લેવું જરૂરી બનશે. મહાનગરપાલિકાએ આના માટે તાજેતરમાં ઑનલાઇન સુવિધાની શરૂઆત કરી છે. તેઓ આ દુકાનદારોને દંડમાંથી અને એકસાથે લાઇસન્સ-ફી ભરવામાંથી રાહત મળે એ માટે પણ વિચારણા કરી રહ્યા છે.’
બુધવારે અમારી પાસે જી-સાઉથ વ્યાપારી અસોસિએશને વિવિધ માગણીઓ કરી હતી. એમાંથી અમે તેમને લાઇસન્સ જલદી મળી શકે એના માટે ઑનલાઇન સુવિધા ઉપલબ્ધ કરી દીધી છે. જોકે જે દુકાનદારો તેમના બોર્ડ પર કંપનીનું નામ લખતા હશે તેમણે લાઇસન્સ-ફી ભરવી જરૂરી છે. આ માહિતી આપતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (સ્પેશ્યલ) સંજોગ કાબરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે વેપારીઓ તેમના બોર્ડ પર ફક્ત નામ જ લખે છે અને સાથે લાઇટો પણ લગાડે છે તેમણે લાઇસન્સ-ફી ભરવાની જરૂર નથી, પરંતુ મહાનગરપાલિકાના ૩૨૮અ કાયદા પ્રમાણે જો તેઓ તેમના નામના બોર્ડ સાથે કોઈ કંપનીના નામનો ઉલ્લેખ કરતા હશે તો તેમણે લાઇસન્સ-ફી ભરવી આવશ્યક છે. કોર્ટના કેસમાં ઍલ્યુમિનેટેડ બોર્ડને જાહેરાત ગણવી કે નહીં એની વાત હતી ત્યાં કશેય નામના બોર્ડ પર કંપનીના નામ બાબતની ચર્ચા કરવામાં આવી નથી. આથી અમે એના પર લાઇસન્સ-ફી વસૂલ કરી રહ્યા છીએ. એમાં કોઈ શંકા નથી કે આ બાબતમાં દુકાનદારોનો જબરો વિરોધ છે. અમે એના પર પણ અભ્યાસ કરી રહ્યા છીએ. એના પર હાલમાં અમે કોઈ જ નિર્ણય જાહેર કરી શકીએ તેમ નથી.’
ઍડ્વોકેટની નજરે
મહાનગરપાલિકાનો ૩૨૮ અને ૩૨૮અ કાયદો જે મહારાષ્ટ્ર સરકારની ૨૦૧૬ની માર્ગદર્શિકા સાથે સંલગ્ન છે એ શહેરોમાં લાગતાં જાહેરખબરનાં મોટાં-મોટાં હોર્ડિંગ્સ અને નિયોન સાઇન બોર્ડ જેવા બોર્ડ માટેની માર્ગદર્શિકા છે એમ જણાવીને મુંબઈ મહાનગરપાલિકાના કેસ લડી રહેલાં ઍડ. પ્રીતિ ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જાહેરાતનાં મોટાં-મોટાં બોર્ડ કે દુકાનોની બહાર કે બાજુમાં લગાડવામાં આવતાં નિયોન સાઇન બોર્ડ ક્યારેક રાહદારીઓ કે અન્ય લોકો માટે જોખમી સાબિત થઈ શકે. મોટાં-મોટાં હોર્ડિંગ્સ ક્યારેક કારના ડ્રાઇવરો કે વાહનચાલકો માટે અસલામત બની શકે છે. એની સામે સુરક્ષાનાં પગલાંરૂપે માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ કાયદાઓ માર્ગદર્શિકા છે. આ કારણે મહાનગરપાલિકાના લાઇસન્સ ડિપાર્ટમેન્ટની પરવાનગી લેવાની હોય છે. કઈ સાઇઝનાં, કેવાં બોર્ડ અને હોર્ડિંગ્સ હોવાં જોઈએ એ માટેની આ માર્ગદર્શિકા છે. જેને દુકાનોના નામના બોર્ડ સાથે કોઈ જ સંબંધ નથી, પણ મહાનગરપાલિકા આ કાયદાનું પોતાની રીતે અર્થઘટન કરીને દુકાનદારોને દંડી રહી છે. માર્ચ ૨૦૧૮માં એક કેસમાં જસ્ટિસ ધર્માધિકારી અને ભારતી ડાંગરેએ ૩૨૮ અને ૩૨૮અ માટેના એક લાંબા જજમેન્ટમાં આ કાયદાની મહત્તા સમજાવી છે અને એના પર તેમણે માર્ગદર્શન પણ આપ્યું છે.’