દક્ષિણ તરફનો રોડ ખોલવાની જોરદાર માગણી વચ્ચે બીએમસીના કેટલાક અધિકારીઓ કહે છે કે જો આમ થશે તો બ્રિજની ઉત્તર તરફની દિશામાં જે કામ ચાલે છે એમાં અડચણ ઊભી થશે
ફાઇલ તસવીર
મુંબઈ કોસ્ટલ રોડના દક્ષિણ તરફના ભાગને ખુલ્લો મૂકવાની માગણી જોર પકડી રહી છે ત્યારે બીએમસીના કેટલાક અધિકારીઓ આ બાબતે શંકા સેવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો આમ થશે તો બ્રિજની ઉત્તર તરફની દિશામાં જે કામ ચાલે છે એમાં અડચણ ઊભી થશે.
અગાઉના શેડ્યુલ પ્રમાણે દક્ષિણ તરફનો ભાગ નવેમ્બર ૨૦૨૩માં ખુલ્લો મુકાવાનો હતો, પરંતુ એમાં અમુક ટેક્નિકલ મુશ્કેલીઓ ઊભી થતાં હવે આ બ્રિજનો દક્ષિણ તરફનો ભાગ ફેબ્રુઆરી ૨૦૨૪માં ખુલ્લો મૂકવાની યોજના છે.
ADVERTISEMENT
બીએમસીના એક અધિકારીએ કહ્યું હતું કે ‘એક વાર દક્ષિણ તરફનો ભાગ ખુલ્લો મુકાશે એટલે પબ્લિક એનો ઉપયોગ શરૂ કરી દેશે જેને કારણે ઉત્તર તરફ જે કામ ચાલી રહ્યું છે એમાં અડચણ ઊભી થશે, કારણ કે ત્યાં હેવી મશીનરીની અવર-જવર કરવાની છે અને જો એમાં મુશ્કેલી થાય તો કામમાં ઢીલ થશે. આથી અમે ફેબ્રુઆરી સુધીમાં હેવી મશીનરીવાળું કામ પૂરું કરી દેવાની તૈયારી કરી રહ્યા છીએ. જો એમ નહીં થાય તો અમારે ટ્રાફિકનું અલગ રીતે મૅનેજમેન્ટ કરવું પડશે.’
આ બ્રિજ ખુલ્લો મૂકવા માટે અધિકારીઓ પર દબાણ વધી રહ્યું છે અને મે ૨૦૨૪ સુધીમાં આખો પુલ ખુલ્લો મુકાય એવી ધારણા છે.
ટ્રાફિક વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ‘કોસ્ટલ રોડ પ્રોજેક્ટ સંભાળતા અધિકારીઓએ અમારો સંપર્ક કર્યો છે અને અમને ટ્રાફિકની સમસ્યા બાબતે મદદરૂપ થવા કહ્યું છે. આ માટે અમે સિંગલ બૅરિકેડ તથા સ્પીડ હમ્પ જેવાં પગલાં લઈને ટ્રાફિકનું નિયમન કરવાનું વિચારી રહ્યા છીએ. કોસ્ટલ રોડનો પ્રોજેક્ટ બીએમસીએ ૨૦૧૮માં શરૂ કર્યો હતો અને નવેમ્બર ૨૦૨૩માં કામ પૂરું થાય એવી ધારણા હતી. જોકે વિવિધ પ્રકારની અડચણોને કારણે કામ સમયસર પૂરું થઈ શક્યું નહોતું.
લોકસભાની ચૂંટણીઓ આવતા વર્ષના એપ્રિલ અને મેમાં યોજાવાની શક્યતા છે ત્યારે રાજ્ય સરકારે ચૂંટણીની આચારસંહિતા સમયસર લાગુ કરવી પડશે. મુંબઈ ટ્રાન્સ-હાર્બર પ્રોજેક્ટ ડિસેમ્બર ૨૦૨૩માં ખુલ્લો મૂકવાનો નિર્ણય રાજ્ય સરકાર લઈ ચૂકી છે
લોકસભાની ચૂંટણીઓ આવતા વર્ષના એપ્રિલ અને મેમાં યોજાવાની શક્યતા છે અને ચૂંટણીની આચારસંહિતા ફેબ્રુઆરીના બીજા કે ત્રીજા વીકથી અમલી થઈ જશે.