BJPએ ૨૦૧૩માં ગુજરાતમાં શક્તિ કેન્દ્રની શરૂઆત કરી હતી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારે ગરમી વચ્ચે લોકસભાની ચૂંટણી થઈ રહી છે ત્યારે કેટલેક અંશે ઉદાસીન રહેતા મુંબઈગરાઓ ૨૦ મેએ મતદાન કરવા માટે ઘરની બહાર નીકળે એ માટેના પ્રયાસ ભારતીય જનતા પાર્ટી (BJP)એ શરૂ કરી દીધા છે. BJPએ ૨૦૧૩માં ગુજરાતમાં શક્તિ કેન્દ્રની શરૂઆત કરી હતી, જેને ઘણો સારો રિસ્પૉન્સ મળ્યો હતો. એ પછી આવાં કેન્દ્રની દેશભરમાં શરૂઆત કરીને ૨૦૧૪, ૨૦૧૭ અને ૨૦૧૯ની લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓમાં એ અમલમાં મૂકવામાં આવ્યાં હતાં. શક્તિ કેન્દ્રના સભ્યો પાર્ટીના નેતા અને કાર્યકરો વચ્ચે સેતુ તરીકે કામ કરે છે. આ વિશે મુંબઈ BJPના ઉપાધ્યક્ષ અને શક્તિ કેન્દ્ર સાથે સંકળાયેલા એક વરિષ્ઠ નેતાએ માહિતી આપી હતી કે મહાયુતિના ઉમેદવારોને લોકસભાની ચૂંટણીમાં વિજયી બનાવવા માટે BJP દરેક બેઠકમાં ગ્રાઉન્ડ-લેવલ પર કામ કરી રહી છે. મુંબઈમાં ૨૨૫૪ શક્તિ કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે. એક શક્તિ કેન્દ્રમાં પાંચ બૂથ આવે છે અને દરેક બૂથમાં સરેરાશ ૧૨૦૦ મતદાર હોય છે. આવી જ રીતે મુંબઈમાં ૯૪૦૦ બૂથપ્રમુખ છે. એક બૂથપ્રમુખમાં ૧૦થી ૨૦ પેજપ્રમુખ હોય છે. એટલે કે મુંબઈમાં BJPના લગભગ ૧,૦૦,૦૦૦ પેજપ્રમુખ છે. દરેક પેજપ્રમુખને ૮૦થી ૧૦૦ મતદારને મતદાન-કેન્દ્રમાં લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના થકી મતદાનના એક દિવસ પહેલાં મતદારોને વોટર-સ્લિપ પહોંચાડવામાં આવે છે.