લોકસભાની ચૂંટણીના રિઝલ્ટ બાદ મુંબઈમાં પાંચ કલાક ચાલી બેઠક
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સંબંધે શુક્રવારે રાત્રે મુંબઈમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની મહારાષ્ટ્રની કોર કમિટીની મૅરથૉન બેઠક મળી હતી. પાંચ કલાક ચાલેલી આ બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં થયેલા પરાજય અને આગામી વ્યૂહરચના પર લાંબી ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. મહારાષ્ટ્ર BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ આ બેઠક બાદ કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાન સાગર બંગલામાં લોકસભાની ચૂંટણી બાદ પહેલી મૅરથૉન બેઠક થઈ હતી. લોકસભાની ચૂંટણીનાં પરિણામો પર વિશ્લેષણ કરવાથી લઈને વિવિધ મુદ્દા પર ચર્ચા થઈ હતી. વિધાનસભાની ચૂંટણીમાં પ્રાઇમરી બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. જે જગ્યાએ નિષ્ફળતા મળી છે ત્યાં નવેસરથી સંગઠન કરીને તાકાત વધારવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના સમાજની છેલ્લી વ્યક્તિ સુધી પહોંચાડવા માટે શું કરી શકાય એના પર ચર્ચા થઈ હતી. આ સિવાય વિધાન પરિષદની ચૂંટણી પર પણ ચર્ચા થઈ હતી. સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિ જાણીને રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્રમાં મોકલવામાં આવશે. બાદમાં તેમના તરફથી જે સૂચનો કે નિર્દેશ આવશે એને અમલમાં મૂકવામાં આવશે.’

