BJPના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારે MNSના નેતાની મુલાકાત કરી
આશિષ શેલાર રાજ ઠાકરેના નિવાસસ્થાન શિવતીર્થ પર.
ભારતીય જનત પાર્ટી (BJP)ના મુંબઈ અધ્યક્ષ અને રાજ્યના કૅબિનેટ પ્રધાન આશિષ શેલારે ગઈ કાલે શિવાજી પાર્કમાં આવેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરેના નિવાસસ્થાન શિવતીર્થમાં જઈને તેમની મુલાકાત કરી હતી. બન્ને નેતા વચ્ચે એકાદ કલાક ચર્ચા થઈ હતી. સૂત્રો મુજબ મુંબઈ સહિતની રાજ્યની ૨૯ મહાનગરપાલિકાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થવાની શક્યતા છે એને ધ્યાનમાં રાખીને રાજ ઠાકરેને સત્તાધારી મહાયુતિમાં સામેલ કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એ સંદર્ભે આશિષ શેલારે રાજ ઠાકરેની તેમના ઘરે જઈને મુલાકાત કરી હતી. રાજ ઠાકરે મહાયુતિમાં સાથે આવવા માટે પૉઝિટિવ હોવાનું કહેવાય છે. નવાઈની વાત એ છે કે આશિષ શેલારની મુલાકાત બાદ દેવેન્દ્ર ફડણવીસના અત્યંત વિશ્વાસુ માનવામાં આવતા મોહિત કમ્બોજ ત્યાર બાદ રાજ ઠાકરેને મળ્યા હતા.