ઉદ્ધવ ઠાકરે જૂથના મુખપત્રમાં અમિત શાહની ટીકાનો જવાબ આપતા બીજેપીના વિધાનસભ્ય નીતેશ રાણેએ આરોપ કર્યો કે ઉદ્ધવ ઠાકરે અને પરિવારના અનેક ધંધામાં ગુજરાતીઓ ભાગીદાર : તેમના રૂપિયાથી જ દેશ-વિદેશમાં આ પરિવાર હરતોફરતો હોવા છતાં તેમને ગુજરાતીઓની ઍલર્જી છે
નીતેશ રાણે
ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારના ગુજરાતીઓ સાથે પાર્ટનરશીપ છે અને તેમના રૂપિયાથી આ પરિવાર દેશ વિદેશમાં હરવાફરવા જાય છે એમાં વાંધો નથી, પણ ગુજરાતીઓ તેમને ગમતા નથી. નરેન્દ્ર મોદી અને અમિત શાહની આ પરિવારને ઍલર્જી હોવાનો આરોપ બીજેપીના વિધાનસભ્ય અને પ્રવક્તા નીતેશ રાણેએ ગઈ કાલે કર્યો હતો.
ઉદ્ધવ ઠાકરે જૂથના મુખપત્ર સામનામાં ગઈ કાલે અમિત શાહની ટીકા કરવામાં આવી હતી. બીજેપી મુંબઈને તોડવા માગે છે એટલે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વારંવાર મુંબઈની મુલાકાત કરી રહ્યા હોવાનો દાવો મુખપત્રમાં કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ વિશે બીજેપીના વિધાનસભ્ય અને પ્રવક્તા નીતેશ રાણેએ જવાબ આપતા કહ્યું હતું કે ‘ઉદ્વવ ઠાકરે, આદિત્ય ઠાકરે, રશ્મી ઠાકરે સહિત ઠાકરે પરિવારને ગુજરાતીઓ તરફથી થતી કમાણીથી બંગલા બનાવવાથી મોંઘી કાર ખરીદવામાં કોઈ વાંધો નથી. વિદેશમાં ઠાકરે પરિવાર ફરવા જાય છે ત્યારે ગુજરાતીઓ જ સંપૂર્ણ ખર્ચ કરે છે. વરલીમાં આવેલા અટ્રિયા મિલેનિયમ મૉલમાં ઠાકરે પરિવારની સાથે કોણ પાર્ટનર છે એ તપાસી લો. મુંબઈ બીએમસીમાં આટલા વર્ષ રાજ કરીને ગુજરાતીઓ થકી જ ઠાકરે પરિવાર સમૃદ્ધ બન્યો છે. આમ છતાં, તેમને હવે ગુજરાતીઓની ઍલર્જી થઈ ગઈ છે.’
પત્રકારો સાથેની વાતચીતમાં નીતેશ રાણેએ બાળાસાહેબ ઠાકરેની એક જૂનો વિડિયો રજૂ કર્યો હતો જેમાં કૉન્ગ્રેસ સામે ઝૂકનારાઓને તેમણે હીજડા કહ્યું હતું. આ વિશે નીતેશ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર આકરો પ્રહાર કરતા કહ્યું હતું કે ‘બાળાસાહેબના હિન્દુત્વવાદી વિચારને નેવે મૂકીને તેમના પુત્ર ૨૦૧૯માં મુખ્ય પ્રધાન બન્યા. તેમણે ધર્માંતર કર્યું છે. વિરોધી વિચારધારાવાળા પક્ષો સાથે જોડાણ કરવાથી લવ જિહાદ થયો છે. આજે કૉન્ગ્રેસ સામે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત ઝૂકી રહ્યા છે. આથી બાળાસાહેબના મતે આ લોકો કઈ શ્રેણીમાં છે એ સમજી શકાય છે.’
ચાર દિવસમાં અજિત પવાર ધડાકો કરશે
છેલ્લાં કેટલાંક દિવસથી વિરોધી પક્ષ નેતા અજિત પવાર બીજેપી સાથે જવાની અટકળો થઈ રહી હતી એનો હું જીવીશ ત્યાં સુધી એનસીપીમાં જ રહીશ એમ કહીને પડદો પાડી દીધો હતો. જો કે શિવસેનાના નેતા સંજય શિરસાટે ગઈ કાલે દાવો કર્યો હતો કે અજિત પવાર ચાર દિવસમાં મોટો નિર્ણય લેશે. મુંબઈમાં આયોજિત મહાવિકાસ આઘાડીની વજ્રમૂઠ સભામાં અજિત પવાર શારીરિક રીતે હાજર રહ્યા હતા, પણ તેમનું મન બીજે ક્યાંક હતું. ત્રણ પક્ષો સાથે આવીને સભા કરે છે અને સમજે છે કે સભામાં મોટી સંખ્યામાં લોકો આવવાથી જનતાનું સમર્થન મળશે.
બાળાસાહેબ મને કહેતા કે ગિરદી થાય એનો અર્થ આ લોકો તમને મતદાન કરશે જ એવું કહી ન શકાય. આથી તેમની આવી સભાથી કોઈ ફરક નહીં પડે. બીજેપી અને શિવસેના મુસ્લિમોની વિરોધી નથી. બાળાસાહેબ ઠાકરે અને નરેન્દ્ર મોદી પણ મુસ્લિમોના વિરોધી નથી.’