એકનાથ શિંદેના નેતા પર ફાયરિંગ કરનારા બીજેપીના વિધાનસભ્યનાં પત્ની ઊતર્યાં મેદાનમાં : પતિના મતદારક્ષેત્રમાં કેટલાંક કામનું ભૂમિપૂજન કર્યું
કલ્યાણમાં ભૂમિપૂજન કરી રહેલાં ગણપત ગાયકવાડનાં પત્ની સુલભા ગાયકવાડ
ઉલ્હાસનગરના પોલીસ સ્ટેશનમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના કલ્યાણના નેતા મહેશ ગાયકવાડ અને તેના સાથી પર બીજેપીના સ્થાનિક વિધાનસભ્ય ગણપત ગાયકવાડે ફાયરિંગ કર્યું હતું એ અત્યંત ચોંકાવનારી ઘટનાને હજી મહિનો જ થયો છે અને વિધાનસભ્ય સહિત પાંચ આરોપીઓ જેલમાં બંધ છે ત્યારે વિધાનસભ્યનાં પત્ની સુલભા ગાયકવાડ અચાનક રાજકીય રીતે સક્રિય થતાં આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. છ ગોળી વાગ્યા બાદ પણ મહેશ ગાયકવાડનો ચમત્કારિક બચાવ થયા બાદ તે તાજેતરમાં જ હૉસ્પિટલમાંથી ઘરે પહોંચ્યો છે. આ ફાયરિંગના પ્રકરણમાં વિધાનસભ્યનો પુત્ર વૈભવ હજી ફરાર છે.
ગઈ કાલે ગણપત ગાયકવાડનાં પત્ની સુલભા ગાયકવાડે પતિના વિધાનસભા ફન્ડમાંથી મંજૂર કરવામાં આવેલા ડેવલપમેન્ટના કામનું ભૂમિપૂજન કરવાની સાથે રાજકારણમાં સક્રિયતા દાખવતાં સૌ ચોંકી ઊઠ્યા હતા. સુલભા ગાયકવાડ ગઈ કાલે ભૂમિપૂજન માટે બહાર પડ્યાં ત્યારે બીજેપીના કાર્યકરોએ તેમના પર જેસીબીથી ફૂલોનો વરસાદ કરીને વધાવ્યાં હતાં. બીજેપીના વિધાનસભ્યે જેના પર ફાયરિંગ કર્યું હતું એ મહેશ ગાયકવાડના ચિંચપાડા પરિસરના જનસંપર્ક કાર્યાલયની બહાર જ વિધાનસભ્યનાં પત્ની સુલભા ગાયકવાડે ભૂમિપૂજન કરીને શક્તિપ્રદર્શન કર્યું હતું. આથી એક જ સમાજના બે નેતાની લડાઈ હવે આગળ વધીને તીવ્ર બનવાની શક્યતા છે.