ગોવાના BJPના વિધાનસભ્યનો વિચિત્ર દાવો
પ્રતીકાત્મક AI તસવીર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય માઇકલ લોબોએ ગઈ કાલે એવો દાવો કર્યો હતો કે ગોવાના બીચ પર ઇડલી-સાંભાર અને વડાપાંઉ વેચાઈ રહ્યાં હોવાથી ઇન્ટરનૅશનલ ટૂરિસ્ટો ઘટી ગયા છે. ટૂરિસ્ટોની સંખ્યા ઘટી રહી હોવાના મુદ્દે કલંગુટ બીચ પર પ્રેસ-કૉન્ફરન્સમાં બોલતાં લોબોએ કહ્યું હતું કે ટૂરિસ્ટોની સંખ્યા ઘટવા માટે માત્ર સરકારને જ દોષી ન ગણી શકાય, તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે આ મુદ્દે વાત કરવામાં આવવી જોઈએ.
પોતાની વાતના મુદ્દે આગળ વધતાં લોબોએ કહ્યું હતું કે ‘સ્થાનિક લોકો બૅન્ગલોરના લોકોને બીચ પરની તેમની જગ્યાઓ ભાડે આપે છે અને ત્યાં ઇડલી-સાંભાર અને વડાપાંઉ વેચવામાં આવી રહ્યાં છે. આનાથી બે વર્ષથી ટૂરિસ્ટો ઓછા થયા છે. સરકારે ટૂરિસ્ટો ફરી કેવી રીતે વધે એ માટે વિચારણા કરવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે પણ આ દેશોમાંથી આવતા ટૂરિસ્ટોની સંખ્યા ઘટી છે.

