BJPના મુંબઈ અધ્યક્ષ અને બાંદરા-વેસ્ટના વિધાનસભ્ય આશિષ શેલારે વ્યક્ત કરીને આ મામલાની તપાસ કરવાની માગણી મુખ્ય પ્રધાનને કરી છે
આશિષ શેલાર
મહાલક્ષ્મી રેસકોર્સ અને કોસ્ટલ રોડ નવેસરથી બનાવવાથી ૩૦૦ એકર જમીન પ્રાપ્ત થઈ છે. અહીં કોઈ પણ બાંધકામ ન કરવાની શરતે કેન્દ્રીય પર્યાવરણ વિભાગે આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આમ છતાં મહારાષ્ટ્રના તત્કાલીન પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેએ આ જમીન બિલ્ડરોને સોંપવાનો પ્લાન બનાવ્યો હોવાની શંકા ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈ અધ્યક્ષ અને બાંદરા-વેસ્ટના વિધાનસભ્ય આશિષ શેલારે વ્યક્ત કરીને આ મામલાની તપાસ કરવાની માગણી મુખ્ય પ્રધાનને કરી છે. તેમણે ગઈ કાલે કહ્યું હતું કે ‘મહાલક્ષ્મી રેસકોર્સની ૧૨૦ એકર જમીનમાં સેન્ટ્રલ પાર્ક બનાવવામાં આવશે જેનાથી મુંબઈના પર્યાવરણ અને સૌંદર્યમાં વધારો થશે. આ સાથે સમુદ્રમાં ભરતી કરીને બનાવવામાં આવેલા કોસ્ટલ રોડને અડીને આવેલી ૧૮૦ એકર જમીનમાં પણ વૃક્ષારોપણ અને બ્યુટિફિકેશન કરવામાં આવશે. આ ૧૮૦ એકર જમીન મહારાષ્ટ્રના તત્કાલીન પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેએ બિલ્ડરોને સોંપવાનો પ્લાન કર્યો હોવાની શંકા છે. આ જમીનમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ ન કરવાની લેખિત જવાબદારી તેમણે કેન્દ્રના પર્યાવરણ વિભાગને આપવાની હતી, પરંતુ એ આપવામાં નથી આવી. આથી આ બાબતની તપાસ કરવાની માગણી મુખ્ય પ્રધાનને કરી છે.’