Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા-ભાઈંદરનાં વિધાનસભ્યએ રસ્તા પર માર્યો મ્યુનિસિપલ એન્જિનિયરને તમાચો

મીરા-ભાઈંદરનાં વિધાનસભ્યએ રસ્તા પર માર્યો મ્યુનિસિપલ એન્જિનિયરને તમાચો

Published : 21 June, 2023 12:45 PM | IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

ગીતા જૈને સરકારી કર્મચારીને તમાચો માર્યાનો વિડિયો થયો વાઇરલ: તેમની સામે ગુનો નોંધીને રાજીનામું લેવાની પણ કરવામાં આવી માગણી

મીરા-ભાઈંદરનાં વિધાનસભ્ય ગીતા જૈને મહાનગરપાલિકાના જુનિયર એન્જિનિયરને તમાચો માર્યો હોવાનો ‌વિડિયો વાઇરલ થયો હતો.

મીરા-ભાઈંદરનાં વિધાનસભ્ય ગીતા જૈને મહાનગરપાલિકાના જુનિયર એન્જિનિયરને તમાચો માર્યો હોવાનો ‌વિડિયો વાઇરલ થયો હતો.


મીરા-ભાઈંદરનાં વિધાનસભ્ય ગીતા જૈને મીરા-ભાઈંદર મહાપાલિકાના એક જુનિયર એન્જિનિયરને રસ્તા પર તમાચો મારવાની ઘટના ગઈ કાલે બની હતી અને એનો વિડિયો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ થવાની સાથે ચર્ચાનો વિષય બન્યો છે. કોઈના પર હાથ ઉઠાવવાનો અ‌ધિકાર ન હોવાથી ગીતા જૈન સામે ગુનો નોંધીને મુખ્ય પ્રધાને રાજીનામું લેવું જોઈએ એવી માગણી સુધ્ધાં કરવામાં આવી છે.


કાશીમીરામાં ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવા પાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે. દરમ્યાન ગઈ કાલે એક ઝૂંપડપટ્ટીના આવા જ બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ આ કાર્યવાહી કરતી વખતે મ્યુનિસિપલ અધિકારીએ નિયમોનું પાલન કર્યું નહોતું અને માત્ર ડેવલપરને ફાયદો કરાવવા માટે એને ગેરકાયદે બનાવ્યું હોવાનો આરોપ સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. એથી વિધાનસભ્ય ગીતા જૈન આ વિશે માહિતી મેળવવા ગયાં હતાં. આ સમયે તેમણે જુનિયર એન્જિનિયર શુભમ પાટીલ અને સંજય સોનીને ફટકાર લગાવી હતી, પણ એ વખતે જુનિયર એન્જિનિયર શુભમ પાટીલ હસતો હતો એટલે ગુસ્સે ભરાયેલાં ગીતા જૈને તેને ધક્કો માર્યો હતો અને તેનું શર્ટ ખેંચીને તેના કાન નીચે તમાચો માર્યો હતો. ગીતા જૈને રસ્તા પર તેને માર્યો એ વિડિયો પ્રચંડ વાઇરલ થયો છે. આ રીતે કર્મચારીઓના મનોબળને નુકસાન થતું હોવાની લાગણી કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે.



મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનના બે જુનિયર એન્જિનિયર શુભમ પાટીલ અને સંજય સોનીએ તેમના વરિષ્ઠ અધિકારીઓના આદેશ મુજબ પેણકર પાડા વિસ્તારમાં ચાર દિવસ પહેલાં કક્કડ બિલ્ડિંગ પાસેના ગેરકાયદે કૉન્ક્રીટ બાંધકામ પર ડિમોલિશનની કાર્યવાહી કરી હતી. એ જ સ્થળે ગઈ કાલે આ બન્ને એન્જિનિયરોને ગીતા જૈન દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને મહાનગરપાલિકાના સિક્યૉરિટી ગાર્ડ, વિધાનસભ્યના સિક્યૉરિટી ગાર્ડ, તેમના અંગત સહાયકો અને અન્ય કાર્યકરોની સામે મારપીટ કરી હતી. જોકે આ પ્રકારના વર્તન સામે મ્યુનિસિપલ કર્મચારીઓ દ્વારા નિષેધ કરાયો છે, કારણ કે આવા બનાવને કારણે અન્ય કર્મચારીઓના મનોબળ પર અસર થાય છે અને એનું વિપરીત પરિણામ કામ પર થાય છે એવી ભાવના અન્ય એન્જિનિયરો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.


મરાઠી એકીકરણ સમિતિ (મહારાષ્ટ્ર રાજ્ય)ના પ્રમુખ ગોવર્ધન દેશમુખે જણાવ્યું હતું કે ‘વિધાનસભ્યોને કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર નથી. તેઓ લોકોના જવાબદાર પ્રતિનિધિ છે અને સમાજને દિશા પણ આપે છે. આ લોકો જ હિંસા કરવા લાગે તો કેવી રીતે ચાલશે? અહિંસાના માર્ગ પર ચાલતા વિધાનસભ્ય ‌હિંસા કરતાં જોવા મળતાં આશ્ચર્ય થાય છે. એથી આ બાબતે તેમના પર ગુનો નોંધીને ધરપકડ કરવી જોઈએ અને મુખ્ય પ્રધાને તેમનું રાજીનામું પણ લેવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2023 12:45 PM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK